કેબિનેટની બેઠકમાં CMએ લીધો અધિકારીઓનો ઉધડો, તૂટેલા રસ્તા રીપેર કરવા અને રખડતાં ઢોરને હટાવવા આપ્યા કડક આદેશ
કેબિનેટની બેઠકમાં CMએ લીધો અધિકારીઓનો ઉધડો, તૂટેલા રસ્તા રીપેર કરવા અને રખડતાં ઢોરને હટાવવા આપ્યા કડક આદેશ
છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માત થવાની અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યાની અનેક ઘટનાઓ સામે આવી છે.
સમાચારોમાં આવી અનેક ઘટનાઓ બાદ ચોમેરથી રખડતા ઢોર માટે ફીટકાર વરસી રહી છે. ત્યારે ચોમેર ટીકા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કેબિનેટની બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો. એક તરફ હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે આજે સાંજ સુધીમાં સરકારને કોઈ નિર્ણય લેવા આદેશ કર્યો છે.
બીજી તરફ મુખ્યમંત્રીએ અધિકારીઓને રખડતાં ઢોરને હટાવવા કડક હાથે કામ લેવા સૂચના આપી છે. સાથે જ રાજ્યમાં તુટેલા રસ્તાઓનું સમારકામ અને ખાડાઓ તાત્કાલિક પુરવા આદેશ કર્યા છે. ગુજરાતની પ્રજા છેલ્લા થોડા સમયથી રખડતા ઢોર અનેક ખરાબ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત છે.
ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં તુટેલા રસ્તાઓ અને રખડતા ઢોર મુદ્દે અધિકારીઓનો ઉધડો લઈ લીધો છે. વરસાદ બાદ રાજ્યમાં અનેક હાઈવે અને મહાનગરો સહિત ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખાડાઓને કારણે અનેક અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ રખડતા ઢોરના કારણે પણ રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાઇ રહ્યા છે.
ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તૂટેલા રસ્તાઓના ખાડા તાત્કાલિક પૂરવા અને રખડતાં ઢોરને હટાવવા કડક હાથે કામ લેવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. મહત્વનું છે કે રાજ્યમાં રખડતા ઢોરના કારણે છેલ્લા કેટલાય સમયથી અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા.
જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ સિવાય પણ અનેક નવ યુવાનો પણ આ રખડતી રંજાડોના અડફેટે આવી ચુક્યા છે. તેમ છતા તંત્રના પેટનું પાણી પણ જાણે હલતુ નથી. ત્યારે હવે આ બાબતે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય સરકારને આ જે ગંભીર સમસ્યા છે તે મામલે યુદ્ધના ધોરણે પગલા લેવા ટકોર કરી છે. ટુંકમાં હાઈકોર્ટ દ્વારા સરકારને કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં સરકાર રખડતા ઢોર મામલે કોઈ ચોક્કસ નિર્ણય લે નહીં તો તેના ઉપર કોર્ટ આકરો હુકમ કરશે.
Jagdish Solanki
Gandhingar