મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદના દસ્ક્રોઈમાં ₹.૧૦૩૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદના દસ્ક્રોઈમાં ₹.૧૦૩૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત

અમદાવાદ જિલ્લા પ્રભારી અને રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અમદાવાદ ખાતે પ્રેરક ઉપસ્થિતિ

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલુ વર્ષે દેશમાં જીડીપી ૧૩.૫ ટકા એ પહોંચ્યો જેમાં ૪.૫ ટકા જેટલું કૃષિનું અભૂતપૂર્વ યોગદાન :-મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક અને બાગાયતી ખેતી તરફ વાળવા અનેકવિધ યોજનાકીય સહાયથી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

 

કિસાન સન્માન નિધિ હેઠળ અમદાવાદ જિલ્લાના કુલ ૨.૨૮ લાખ ખેડૂતોને ₹૩૭૬.૧૦ કરોડની માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે

 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી સમગ્ર રાજ્યમાં ₹.૩૧૦૦ લાખના ખર્ચે કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં રૂ.૧૦૩૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અમદાવાદ શહેરથી ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

 

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત તમામ ખેડૂતોને પરંપરાગત ખેતીથી પ્રાકૃતિક ખેતપદ્ધતિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.

મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ જગતમાં થતા નિયમિત ફેરફારો સાથે રાજ્યનો દરેક ખેડૂત અપગ્રેડ રહે , ખેત પદ્ધતિ સંલગ્ન તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્માર્ટફોન યોજના અમલી બનાવવામાં આવી છે.

 

ગુજરાત દ્વારા ખેત પદ્ધતિ ક્ષેત્રે ઉત્તરોત્તર વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને નેનો યુરિયા , ડ્રોન પદ્ધતિથી ખેતી જેવી પહેલ પણ હાથ ધરવામાં આવી છે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે દેશમાં જીડીપી ૧૩.૫ % એ પહોંચ્યો છે તેમાં ૪.૫ ટકા જેટલું કૃષિનું અભૂતપૂર્વ યોગદાન રહેલ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.

 

વડાપ્રધાન શ્રી એ જગતના તાતની ચિંતા કરીને ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે સામંતશાહી અને વ્યાજખોરોથી ખેડૂતોને બચાવી ખેડ, ખાતર અને બિયારણ માટે કિસાન સન્માન નિધિ દ્વારા વર્ષે ૬૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય ડીબીટી મારફતે સીધા ખાતામાં ચૂકવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

જેના અંતર્ગત અમદાવાદ જિલ્લાના કુલ ૨.૨૮ લાખ ખેડૂતોને ₹૩૭૬.૧૦ કરોડની માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે.

 

રાજ્ય સરકારે પરંપરાગત ખેતી ઉપરાંત બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવામાં માટે વિવિધ યોજનાકીય સહાય અમલી બનાવી છે. કમલમ્ ફ્રુટના વાવેતર માટે ખેડૂતોને વિશેષ નાણાકીય સહાય ચૂકવવામાં આવી રહી હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું..

અમદાવાદમાં નિર્માણ પામનારા સેન્ટર ઓફ એક્સેલન્સ થકી જિલ્લામાં રક્ષિત ખેતી, ટપક સિંચાઈ પધ્ધતિ, ફર્ટીગેશન તથા અધ્યતન ધરૂ ઉછેર દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનો પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવી સેન્ટર ઓફ એક્સેલન્સ અધ્યતન પ્રકારની ટેક્નોલોજી ખેડુતો સુધી વિસ્તરણ કરવામાં ઉપયોગી બની રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો..

  આ પ્રસંગે સાંસદ સર્વ શ્રી હસમુખભાઈ પટેલ, ડૉ. કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ , જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!