News Inside/15 May 2023
Gujarat
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 198 ગુજરાતી માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલએ માછીમારોને મોઢું મીઠું કરાવીને આવકાર્યા. આ તમામ માછીમારોને વાઘા બોર્ડરથી બસ મારફતે વડોદરા સુધી લાવવામાં આવ્યા.
કોરોનાકાળનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કરીને આવનારા આ માછીમારોને આખરે પોતાના મૂળ વતન ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે.
પાકિસ્તાનએ 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. જેની પાકિસ્તાનની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જેઓ પાકિસ્તાનની જેલમાં કેદ હતા. આ માછીમારોને વાઘા બોર્ડર પર ભારતને પરત સોંપાયા હતા. ગુરુવારે સાંજે કરાચીની મલીર જેલમાંથી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા.
માલીર જેલના સુપ્રિટેન્ડન્ટ નઝીર ટુનિયોએ જણાવ્યું હતું કે, તેઓએ ભારતીય માછીમાર કેદીઓની પ્રથમ બેચને મુક્ત કરી દીધી છે અને વધુ બે બેચ કે જેમાં 200 અને 100 માછીમાર કેદીઓને જૂન અને જુલાઈમાં મુક્ત કરવામાં આવશે.
નઝીર ટુનિયોએ જણાવ્યું હતું કે 200 ભારતીય માછીમારોને 11 મે અને ગુરૂવારના રોજ મલીર જેલમાંથી મુક્ત કરવામાં આવવાના હતા, પરંતુ તેમાંથી બે માછીમારોનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું.
બે મૃત માછીમારોમાં એક મુહમ્મદ ઝુલ્ફીકાર નામના માછીમારનો સમાવેશ થાય છે. જેનું 6 મેના રોજ અવસાન થયું હતું. અન્ય માછીમાર સોમા દેવાનું 9 મેના રોજ લાંબી બીમારી બાદ અવસાન થયું હતું.
તેમના મૃતદેહોને જ્યાં સુધી ભારત લાવવામાં ન આવે ત્યાં સુધી ઈધી ફાઉન્ડેશનના શબઘરમાં રાખવામાં આવશે.
ઈધી વેલ્ફેર ટ્રસ્ટના ફૈઝલ ઈધી કે જેણે માછીમારોને કરાચીથી લાહોર સુધી ટ્રેન દ્વારા પરિવહનની વ્યવસ્થા કરી હતી, જ્યાં તેમને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે અન્ય કેટલાક ભારતીય માછીમારો પણ બીમાર દેખાતા હતા.
પાકિસ્તાન ફિશરફોક ફોરમના જનરલ સેક્રેટરી સઈદ બલોચે કહ્યું કે બંને સરકારો વચ્ચે થયેલા કરાર હેઠળ 200 ભારતીય માછીમારોની બીજી બેચ 2 જૂને અને અન્ય 100ને 3 જુલાઈએ મુક્ત કરવામાં આવશે.
ફિશરમેન કોઓપરેટિવ સોસાયટી, સિંધના પ્રશાસક ઝાહિદ ઈબ્રાહિમ ભાટીએ જણાવ્યું હતું કે, લગભગ 200 પાકિસ્તાની માછીમારો ભારતીય જેલમાં કેદ છે અને તેમને આશા છે કે તેઓ પણ ભારતીય માછીમારોની મુક્તિ પછી જલ્દી જ પાકિસ્તાન પરત પહોંચી શકશે.