ફ્રાંસમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. એક 17 વર્ષના કિશોરની હત્યા બાદ શરૂ થયેલો વિરોધ પ્રદર્શન હવે બદલાની આગના રૂપમાં આખા દેશમાં ફેલાઇ ગઇ છે. રમખાણને રોકવા માટે યોગ્ય પગલા ભરવામાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોંની ટિકા થઇ રહી છે. આ વચ્ચે ફ્રાંસમાં ફેલાયેલી અશાંતિને કાબુમાં કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માંગ ઉઠી રહી છે.
હવે યોગી આદિત્યનાથના કાર્યાલય તરફથી આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.
જર્મનીના ડૉક્ટર અને પ્રોફેસર એન જોન કૈમ સતત ફ્રાંસની સ્થિતિ પર ટ્વીટ કરી રહ્યાં છે. શુક્રવારે તેમણે પોતાના એક ટ્વીટમાં લખ્યુ, ‘ફ્રાંસમાં રમખાણની સ્થિતિને નિયંત્રિત કરવા માટે ભારતના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મોકલવા જોઇએ અને ત્યા તે 24 કલાકની અંદર રોકી શકે છે.’ પ્રોફેસર એન જોન યૂનિવર્સિટી ઓફ લંડન સાથે જોડાયેલા છે અને કાર્ડિયોલોજીની દુનિયામાં એક જાણીતુ નામ છે. તે યૂરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીનો મહત્વનો ભાગ પણ છે.
યોગી આદિત્યનાથના કાર્યાલયમાંથી આપવામાં આવ્યો જવાબ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયમાંથી આ મામલે જવાબ આપવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ કાર્યાલયમાંથી ટ્વીટ કરવામાં આવ્યું, ‘વિશ્વના કોઈપણ ભાગમાં જ્યારે પણ ઉગ્રવાદને કારણે રમખાણો, અરાજકતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે વિશ્વ આશ્વાસન શોધે છે અને ઉત્તર પ્રદેશમાં મહારાજજી દ્વારા સ્થાપિત કાયદો અને વ્યવસ્થાના પરિવર્તનકારી ‘યોગી મોડલ’ માટે તરસે છે..’
ફ્રાંસમાં કેવી છે સ્થિતિ?
ફ્રાંસમાં 27 જૂને ટ્રાફિક પોલીસે 17 વર્ષના અલ્જીરિયન મૂળના નાહેલ એમ નામના એક કિશોરને ગોળી મારી હતી, જેના વિરોધમાં આખા દેશમાં રમખાણ ફેલાઇ ચુક્યુ છે. રમખાણમાં અત્યાર સુધી 875 લોકોને ધરપકડ કરવામાં આવી છે. આશરે 500 ઘરોને નુકસાન પહોચાડવામાં આવ્યું છે.