News Inside/ 8 July 2023
..
Rajkot| રંગીલા રાજકોટ શહેરમાંથી છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે. આ બે બનાવમાં ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પર આવેલા માધાપર ચોકડીથી અયોધ્યા ચોક વચ્ચેના રસ્તા પર બે ભાઈઓ સુથારી કામ કરવા જઈ રહ્યા હતા. તે સમયે સવારના દસ વાગ્યા આસપાસ ભાવેશ નારીગરા (ઉં.વર્ષ-35) અને જીતેન્દ્ર નારીગરા (ઉં.વર્ષ-30)નું અકસ્માત દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
બંને ભાઈઓ એક્ટિવા લઈને પોતાના કામ માટે જતા હતા, તે જ સમયે ટ્રક દ્વારા બંને ભાઈઓને અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થતા બંને ભાઈઓની લાશને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
બે દીકરાઓને એક સાથે ગુમાવી દેતાં પરિવારના માથે આભ ફાટ્યું
પ્રાપ્ત માહિતી મુજબ, બંને ભાઈઓ પરણિત હતા. તેમજ સુથારી કામ કરવા માટે બંને ભાઈઓ કોઠારીયા રોડથી માધાપર ચોકડી આવી રહ્યા હતા, તે સમયે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે નારીગરા પરિવારના આધાર સ્તંભ સમાન બે દીકરાઓને એક સાથે ગુમાવી દેતા પરિવારજનોમાં હાલ માતમ છવાઈ ગયો છે. 30 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે જીતના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. જ્યારે મૃતક ભાવેશને સંતાનમાં એક અઢી વર્ષ અને એક આઠ માસની એમ બે દીકરીઓ છે. આમ નાની ઉંમરમાં જ બંને દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ ઘટના મામલે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ 279, 337, 338, 304(A) તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.