News Inside/ 10 July 2023
..
Ahmedabad| અમદાવાદે ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પરંતુ હવે દિવસેને દિવસે શહેરના જર્જરિત મકાનો હવે જોખમી બની રહ્યાં છે. ધોધમાર વરસાદ વચ્ચે જર્જરિત મકાનો ધરાશાયી થવાના કિસ્સા વધી રહ્યાં છે. અમદાવાદમાં સોમવારની સવારે વધુ એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. અમદાવાદના મીઠાખળી ગામમાં મકાન ઘરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો ચાર લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
મળેલ વિગતો મુજબ, અમદાવાદના મીઠાખળી ગામ વિસ્તારમાં જૂનું જર્જરીત હાલતમાં રહેલુ મકાન ધરાશાયી થતાં અંદર રહેતા લોકો ફસાયા હતા. ઘરમાં રહેતા ચાર વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ એક વ્યક્તિ કાટમાળમાં દટાઈ હતી. કાટમાળમાં દટાયેલ વ્યક્તિની શોધખોળ ચાલુ કરાઈ હતી. પરિવારના વિનોદભાઈ દંતાણી નામના સભ્યની શોધખોળ હાથ ધરાઇ હતી. જેસીબી મશીનની મદદથી કાટમાળ ખસેડાયો હતો. આ અકસ્માતમાં 55 વર્ષીય વિનોદભાઈનું મૃત્યુ નીપજ્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
મીઠાખળી ગામમાં સ્થિત ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદને કારણે પડી ભાંગ્યું હતું. આ ઘટનામાં બે વર્ષની બાળકી સહિત આખો પરિવાર મકાનના કાટમાળમાં દટાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સતત 30 મિનિટની શોધખોળ બાદ પરિવારના સભ્યોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા એલીસબ્રીજ ખાતેના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.
ઘટના વિશે મૃતકના સંબંધી સાગર ભાઈએ સરકારને નિયમ મુજબ મદદ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, ઘરવખરી સહિત તમામ ચીજ વસ્તુઓનું નુકસાન થયું છે. મૃતકના પરિવારમાં તેમની પત્ની, બે દીકરી અને એક દીકરો છે. સવારે 7.30 વાગે ઘટના બની તે સમયે પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા તે સમયે જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. અહીંથી તુરંત તેમને વીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આગળની કાર્યવાહી શરૂ થઈ છે, મૃતકનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાશે.