News Inside/ 10 July 2023
..
Lion and Buffalo fight| ગીરના જંગલો અને આસપાસના વિસ્તારમાં સિંહના હુમલાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત માલધારીઓ પોતાના પાલતુ પ્રણીઓને ચરાવવા માટે જંગલમાં જાય છે, ત્યારે સિંહના હુમલાનો ભોગ પણ બની જાય છે. તાજેતરમાં આવી જ એક ઘટના બની છે. પરંતુ આ વખતે આ ઘટનામાં હુમલાનો ભોગ જંગલનો રાજા કહેવાતો સિંહ પોતે જ બની ગયો છે. એક 15 વર્ષીય કિશોર પોતાની ભેંસને જંગલમાં ચરાવવા નીકળ્યો હતો. તે દરમિયાન સિંહે તે કિશોર ઉપર હુમલો કરી દીધો હતો. તે પછી જે ઘટના બની તેના વિશે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે.
આજ સુધી આપણે એવું જ સાંભળ્યું હશે કે, સૌથી વફાદાર પ્રાણી કુતરા હોય છે. તેના માલિકનો જીવ બચાવવા માટે કુતરા કઈ પણ કરી શકે છે પરંતુ આ ઘટનામાં ભેંસએ વફાદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ સુધી વફાદાર પ્રાણીઓની યાદીમાં તમે ભેંસનું નામ ક્યારેય નહીં સાંભળ્યું હોય, પરંતુ ગીરની આ ઘટનાએ ભેંસને પણ વફાદાર સાબિત કરી છે. આ ઘટનામાં પોતાના 15 વર્ષના માલિક ઉપર જ્યારે સિંહે હુમલો કર્યો ત્યારે ભેંસ જંગલના રાજા પર તૂટી પડી હતી.
આ બાબતે મળતી જાણકારી અનુસાર, 15 વર્ષીય વિક્રમ ચાવડા ગીરના જંગલમાં આવેલી નેસમાં રહે છે. શુક્રવારે તે વિસાવદર વન રેન્જમાં પોતાની ભેંસોને તળાવ તરફ લઈ જઈ રહ્યો હતો. 15 વર્ષીય વિક્રમ સાથે અન્ય બે યુવકો પણ હતા. વિક્રમે પોતાના ખભા પર એક નવજાત વાછરડું પણ રાખેલું હતું. જોકે, પોતાના પ્રાણીઓને ચરાવવા નીકળેલો વિક્રમ એ વાતથી અજાણ હતો કે, જંગલના આ વિસ્તારમાં સિંહ અને સિંહણનું મેટીંગ ચાલી રહ્યું છે. 15 વર્ષીય કિશોર અને પ્રાણીઓના આવવાથી મેટિંગની પ્રક્રિયામાં ખલેલ પહોંચી અને સિંહ આક્રમક થઈ ગયો અને તેણે વિક્રમ ચાવડા ઉપર હુમલો કરી દીધો.
સિંહના અચાનક હુમલાથી વિક્રમ ગભરાઈ ગયો હતો. અચાનક સિંહદ્વાર થયેલ હુમલાથી તે ઘાયલ પણ થયો હતો. જોકે સિંહનો હુમલો જોઈને ઝુંડમાં રહેલી બે ભેંસ પોતાના માલિકને બચાવવા માટે સિંહ સાથે બાખડી પડી. સિંહના હુમલા થી 15 વર્ષીય કિશોર ઘાયલ થઈ ગયો હતો. તેની સાથે રહેલા યુવકોએ પણ બૂમ પાડીને અન્ય લોકોને મદદ માટે બોલાવી લીધા હતા.
આ ઘટનાને લઈને ડીએસએફ પ્રશાંત તોમરનું કહેવું છે કે, જો ભેંસ ન હોત તો સિંહના હુમલાથી 15 વર્ષીય કિશોરનું બચવું મુશ્કેલ હતું. જો ભેસ સિંહ સાથે ફાઈટમાં ઉતરી ન હોત તો કદાચ યુવકનો જીવ પણ જતો રહ્યો હોત. સિંહના અચાનક હુમલાથી યુવકને ઇજા પહોંચી હતી. આ ઇજાને પગલે યુવકને આઠ ટાંકા લેવા પડ્યા છે. પરંતુ ભેંસના કારણે તેનો જીવ બચી ગયો.