News Inside/ 11 July 2023
..
Australia| ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરતી 21 વર્ષીય ભારતીય યુવતી જસમીન કૌર અચાનક એક દિવસ ગાયબ થઈ જાય છે. પોલીસ તેની શોધખોળ દરમિયાન તેના એક્સ બોયફ્રેન્ડની પૂછપરછ કરે છે. પૂછપરછ દરમિયાન યુવક ચોંકાવનારો ખુલાસો કરે છે. યુવકે પોલીસને જણાવ્યું હતું કે, જસમીન હવે હયાત નથી, તેણે આપઘાત કરી લીધો અને મેં પોતે જ તેની લાશને દફન કરી હતી. જે બાદ પોલીસે જસમીનની લાશને જમીનમાંથી બહાર કાઢી હતી અને એક કમકમાટી ભરી કહાની સામે આવી હતી.
જસમીનને જીવતે જીવ જ કરી હતી દફન
પોલીસ જયારે જમીનમાંથી જસમીનની લાશ બહાર કાઢે છે, તો તેના હાથ પીઠ પાછળ બાંધેલા જોવા મળ્યા હતા, તેના મોઢા પર ટેપ લગાવેલી હતી અને પગ પણ બાંધેલા હતા, અને તેને જીવતી જ દફન કરી દેવાઈ હતી. આ ભયંકર મોતની કહાની સાંભળીને પોલીસ અને જજના પણ હોંશ ઉડી ગયા હતા. આ બર્બરતા માટે મેજિસ્ટ્રેટે તેને ‘અનકોમન લેવલ ઓફ ક્રુઅલ્ટી’ કરાર આપીને જસ્મીનના હત્યારાને આજીવન કેદની સજા સંભળાવી હતી.
શું થયું હતું જસમીન સાથે?
જસમીનના હત્યારા મૂળરૂપે ભારતીય છે. 5 માર્ચ 2021ના દિવસે જસમીન કૌર તેની વર્ક પ્લેસ પરથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. જસમીન નર્સિંગની સાથે સાથે ઓસ્ટ્રેલિયાના નોર્થ પ્લિમ્ટોનમાં આવેલા વૃદ્ધાશ્રમમાં કામ કરતી હતી. જસમીન તેના અંકલ-આંટી સાથે રહેતી હતી અને 5 માર્ચ, 2021ના રોજ ઓફિસે ગઈ હતી. જસમીન સમયસર ઘરે ન આવતા તેના પરિવારજનો ચિંતામાં સરી પડ્યા હતા. તેમણે જસમીનનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી, પરંતુ વાત થઈ શકી નહોતી અને ફોન સ્વિચ ઓફ હતો. જસમીન ન મળતા બીજા દિવસે તેમણે પોલીસને જસમીનની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તપાસ શરુ કરી હતી. તપાસ હેઠળ સૌથી પહેલાં પોલીસ તેના વર્ક પ્લેસ પર પહોંચી, જ્યાંથી તે ગાયબ થઇ હતી. જોકે, કોઈએ પણ તેને વર્કપ્લેસમાં જતા કે ત્યાંથી નીકળતા જોઈ નહોતી. પરંતુ CCTVની તપાસ કરતા શંકાસ્પદ કાર પોલીસની નજરે ચડી હતી. કારના નંબર પરથી પોલીસે કાર માલિકને શોધી કાઢ્યો હતો. કાર માલિકે જણાવ્યું કે, આ કાર 5 માર્ચના રોજ વૃદ્ધાશ્રમ ગઈ નહોતી. જોકે, તેણે એમ પણ જણાવ્યું કે, તેનો મિત્ર અને ફ્લેટમેટ તારિકજોત સિંહ આ કાર માંગીને લઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે તારિકજોત સિંહ વિશે જાણકારી મેળવવાનું શરુ કર્યું.
કોણ છે તારિકજોત સિંહ?
21 વર્ષીય તારિકજોત સિંહ જસમીનનો એક્સ બોયફ્રેન્ડ છે, બ્રેકઅપ બાદ પણ તે જસમીનનો પીછો કરીને તેને પરેશાન કરતો હતો. આ મામલે જસમીને પોલીસ ફરિયાદ પણ કરી હતી. ત્યારપછી પોલીસે તારિકજોતને ચેતવણી આપી હતી અને તેનાથી દૂર રહેવા જણાવ્યું હતું. ફ્લેટમેટની કારના કારણે તારિકજોતનું કનેક્શન જસમીન કૌરના વર્કપ્લેસ સાથે જોડાવા લાગ્યું હતું.
જસમીન કૌરના મોતનો થયો ખુલાસો
જસમીનની ગુમ થવાની ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે 7 માર્ચના રોજ તારિકજોતને કસ્ટડીમાં લીધો હતો. પહેલા તારિકજોત આ બાબતે કોઈ વાત કબૂલી રહ્યો નહોતો, પરંતુ પોલીસ દ્વારા પુરાવા દેખાડતા તેણે કબૂલ્યું હતું કે, તેણે વર્કપ્લેસ પરથી જસમીનને પિકઅપ કરી હતી. પૂછપરછમાં તેણે કહ્યું કે, ‘જસમીન હવે હયાત નથી. તેણે આપઘાત કર્યો હતો અને તેણે જસમીનની લાશ કબરમાં દફનાવી દીધી હતી.’
તારિકજોત પોલીસને લાશ દફન કરી હતી, તે સ્થળે લઈ ગયો. આ જગ્યા એડિલેડથી 400 માઈલ (643 કિમી) દૂર હતી. ફ્લિંડર્સ રેંજ વિસ્તારમાં હાઈવેથી દૂર સુમસામ જગ્યાએ જસમીનની લાશ દફન કરી હતી. જસમીનની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ પરથી માલૂમ પડ્યું કે, ફેંફસામાં ધૂળ જામી જવાને કારણે શ્વાસનળીમાં રજકણ અને માટી જામી ગઈ હતી. ડોક્ટર્સે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિને જીવતી દફન કરી દેવામાં આવે તો જ આ પ્રકારે તેનું મોત થઈ શકે છે.
હત્યાની ભયાનક કહાની
જ્યાં સુધી આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી ન પહોંચ્યો ત્યાં સુધી તારિકજોતે ગુનો કબૂલ કર્યો નહોતો. ઘટનાના 9 મહિના બાદ આ કેસ ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને તે સમયે તારિકજોતે જસમીનને જીવતી દાટીને હત્યા કરવાની વાત કબૂલી હતી. જેની સાથે હત્યાની કહાની પણ જણાવી હતી.
જસમીનની હત્યાનું કાવતરૂ
તારિકજોત જસમીન સાથે થયેલ બ્રેકઅપનો બદલો લેવા માંગતો હતો. જે માટે તેણે 5 માર્ચના રોજ જસમીનનું અપહરણ કર્યું હતું. પકડાઈ ન જવાય તે માટે તેણે તેના ફ્લેટમેટની કારનો ઉપયોગ કર્યો અને તે જ કાર લઈને જસમીનના વર્ક પ્લેસ પર ગયો. જસમીનને તેની સાથે લઈ જવા માટે રાજી કરી દીધી. તેણે રસ્તામાં જ જસમીનના હાથ પગ બાંધીને કારની ડિકીમાં બંધ કરી દીધી અને 643 કિમી દૂર એક અવાવરું જગ્યાએ કબર ખોદીને તેમાં જીવતી દફન કરી દીધી. તારિકજોતે જે સમયે જસમીનને દફન કરવા માટે તેના પર માટી નાખવાની શરૂઆત કરી, તે સમયે જસમીન સંપૂર્ણપણે જીવિત હતી અને ભાનમાં હતી.
તારિકજોતે પ્લાનિંગ સાથે કરી હતી જસમીનની હત્યા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, તારિકજોત સંપૂર્ણ તૈયારી સાથે જસમીનની હત્યા કરવા માટે જ ગયો હતો. જસમીનને પિક કરતા પહેલાં તેણે દુકાનમાંથી એક કેબલ ટાઈ ખરીદી હતી, જેથી તેના હાથ-પગ બાંધી શકાય અને કબર ખોદવા માટે પાવડો પણ લીધો હતો. પોલીસે લાશ બહાર કાઢી ત્યારે તેના હાથ-પગ બાંધેલા હતા અને આંખ તથા મોઢા પર ટેપ લગાવેલી હતી. રસ્તામાં એક રેસ્ટોરન્ટ પાસે તારીકજોતે જસમીનનું વર્ક આઈડી, કપડા અને બચેલા કેબલ ટાઈ કચરાના ડબ્બામાં નાખી દીધા હતા. પોલીસે આ તમામ વસ્તુઓ જપ્ત કરી લીધી હતી.
CCTV કેમેરાથી ન બચી શક્યો હત્યારો
તારિકજોતે એડિલેડ શહેરમાં જેટલા પણ CCTV કેમેરા લાગેલા છે, તેના લોકેશનનું લિસ્ટ નેટ પરથી ડાઉનલોડ કર્યું હતું, જેથી તેને કોઈ પકડી ન શકે. પરંતુ આટલું બધું દિમાગ લગાવવા છતાં તારિકજોત એક CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. વર્ક પ્લેસ બહારથી તેના દોસ્તની કારના ફૂટેજ મળી આવ્યા હતા, જે તારિકજોત વિરુદ્ધ પહેલો પુરાવો હતો.
બચાવ પક્ષની ખોખલી દલીલો
સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, તારિકજોત સિંહ એક ઉગતી ઉંમરનો છોકરો હતો. બ્રેકઅપ બાદ તે આ સદમાને સહન ન કરી શક્યો. હત્યાના આટલા દિવસો બાદ પણ તારિકજોતની માનસિક સ્થિતિ ખરાબ છે. તે હજુ પણ તેની એક્સ જસમીન કૌરના અવાજ સંભળાવાની વાત કરે છે. તેને લાગે છે કે જસમીન હાજી પણ જીવિત છે. ત્યારે તમે તેની માનસિક સ્થિતિ સમજી શકો છો.
હત્યારાને આજીવન કેદની સજા
તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટે તારિકજોત સિંહને આજીવન કેદની સજા સંભળાવી છે. પેરોલ પર મળવાનો સમય આગામી મહિને નક્કી કરવામાં આવશે.