News Inside/ 11 July 2023
..
Bopal, Ahmedabad| વિકાસની હરીફાઈમાં હરણફાળ ભરતું અમદાવાદ શહેર હવે મેગા સિટી બની રહ્યું છે. અમદાવાદમાં ઉદ્યોગ ધંધા વિકસતા નોકરીની અઢળક તકો મળી રહે છે. આ જ કારણે હવે ગુજરાતના અન્ય શહેરોમાંથી તથા દેશના અન્ય રાજ્યોમાંથી લોકો નોકરી માટે અમદાવાદમાં આવી રહ્યાં છે. આ લોકો માટે અમદાવાદમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા માટે ઢગલાબંધ વિકલ્પો છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારના એક ફ્લેટમાં પીજી તરીકે રહેતા યુવકોને રહીશો દ્વારા માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે.
સાઉથ બોપલના રાજવી એમ્ર્લ્ડ ફ્લેટમાં 5 જુલાઈના રોજ આ બનાવ બન્યો હતો. બોપલના એક ફ્લેટના રહીશોએ પીજી તરીકે રહેતા યુવકોને બિભત્સ ગાળો બોલી લાફા ઝીંકયા હતા. ફ્લેટના રહીશોએ રાતોરાત પીજીમાં રહેતા લોકોને ફ્લેટમાંથી બહાર હાંકી કાઢ્યા હતા. જેની પાછળનું કારણ એ હતું કે, ફ્લેટમાં પીજી તરીકે રહેતા એક યુવકે ફ્લેટની છોકરીને મેસેજ કર્યો હતો. ત્યારે આ વાતને લઈને રહીશો ગુસ્સે થયા હતા. જેથી મેસેજ કરનાર યુવકને ફ્લેટના રહીશોએ ઢોર માર માર્યો હતો.
સ્થાનિકોએ મેસેજ કરનાર યુવક અને તેની સાથે ફ્લેટમાં રહેતા અન્ય યુવકોને માર માર્યો હતો. ફ્લેટમાં અન્ય પીજી તરીકે રહેતા 4 થી 5 યુવકોને કોઈ કારણ વિના માર માર્યો હતો. જેથી ડરના માર્યે યુવકો અમદાવાદ છોડી પોતાના ઘરે જતા રહ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાયુ છે કે, ફ્લેટના રહીશો બેઝબોલ જેવા હથિયાર લઈને આવ્યા હતા, અને યુવકોને ફટકાર્યા હતા.
આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતું ભોગ બનાર યુવકો અમદાવાદ બહારના હોવાની માહિતી સામે આવી છે.