News Inside/ 11 July 2023
..
Rajkot Incometax Department| રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરાયું છે. રાજકોટમાં 18 સ્થળ પર ITનું મેગા સર્ચ ઓપરેશન કરવાની કામગીરી કરાઈ છે. રાજકોટના મોટા નામચીન બિલ્ડરો બાદ સોની વેપારીઓ ઇન્કમટેક્સ વિભાગની ઝપટે ચઢ્યા છે. જેમાં શહેરના જાણીતા રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સનાં ઘર-શોરૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેથી અન્ય સોની વેપારી બજારમાં ફફડાટ ફેલાયો છે.
જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં તવાઈ આવી છે. આશરે દોઢ ડઝનથી પણ વધુ સ્થળોએ આવકવેરા ખાતા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારે સાત વાગ્યે આવકવેરા વિભાગની અલગ અલગ ટુકડીઓ રાજકોટના ટોચના જ્વેલર્સ પર ત્રાટકી હતી. રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પણ તપાસ કરવામાં આવી છે. રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે b-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ ચાલુ છે. તેમજ પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ પહોંચ્યું છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ થઈ રહી છે.
રાધિકા જ્વેલર્સ વાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પડ્યા છે. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ ઇન્કવાયરી ચાલી રહી છે. રાધિકા જ્વેલર્સના કલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાની બાતમી મળી છે. આ મામલે તપાસને અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.