News Inside/ 11 July 2023
..
Ahmedabad Cruise restaurant| 10 જુલાઇથી અમદાવાદનું નવું નજરાણું બનેલી રિવરફ્રન્ટ ક્રૂઝ રેસ્ટોરન્ટની શરુઆત થઈ ગઇ છે. જેની તૈયારીઓના ભાગરુપે રેસ્ટોરન્ટને સજાવવામાં આવી હતી. રિવરફ્રન્ટ ક્રૂઝ રેસ્ટોરન્ટમાં જમવા માટે અગાઉથી બુકિંગ કરવું પડે છે. ત્યારે જુલાઈ મહિનામાં ફુલ બુકિંગ થઈ ગયું છે. જેને કારણે હવે ક્રૂઝ રેસ્ટોરન્ટમાં જમવા માટે ઓગસ્ટ મહિનામાં બુકિંગ કરવું પડશે. રેસ્ટોરન્ટમાં જો તમે લંચ માટે બૂકિંગ કરાવો છો તો એક વ્યક્તિ દીઠ 1800 રૂપિયા ચૂકવવા પડશે અને ડિનર માટે બુકિંગ કરાવવા માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે. ખાસ તો સાબરમતી નદીની વચ્ચે જઈને જમવાનો આનંદ લઈ શકાય તે માટે લોકો ડિનર કરતાં લંચનું બુકિંગ વધારે કરી રહ્યા છે. જો તમારે પણ બુક કરવું હોય તો https://www.aksharrivercruise.com/booking-form પર આધાર કાર્ડ અને ત્યાર બાદ તમારી ડિટેઈલ ભરીને પેમેન્ટ કરવાનું રહેશે.
આ ક્રૂઝને કોર્પોરેટ મીટિંગ અને ફેમિલી ગેટ ટુ ગેધર માટે ભાડે પણ આપવામાં આવશે. ફ્લૉટિંગ રેસ્ટોરન્ટની અંદર પણ ફર્નિચરને મોર્ડન લૂક આપવામાં આવ્યો છે. આ ફ્લૉટિંગ રેસ્ટોરન્ટ સ્માર્ટ LED અને એરકન્ડિશન સુવિધાથી સજ્જ છે. ખાનગી એજન્સી પ્રતિ વર્ષ AMCને સાબરમતીના ઉપયોગ બદલ 45 લાખ રૂપિયા ચૂકવશે. આ ફ્લૉટિંગ ક્રૂઝ રેસ્ટોરન્ટના નિર્માણમાં કરોડોનો ખર્ચ થયો હતો, જેમાં SRFDCLને 45 લાખની વધારાની વાર્ષિક લાઇસન્સ ફી ચૂકવવામાં આવી હતી. આ ક્રૂઝ ફેબ્રુઆરી માસમાં વલસાડના ઉમરગામથી સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવ્યું હતું.
રિવરફ્રન્ટ ક્રૂઝ રેસ્ટોરન્ટમાં શું મળશે જમવા માટે?
રિવરફ્રન્ટ ક્રૂઝમાં જતાની સાથે જ સૌ પ્રથમ વેલકમ ડ્રિક આપવામાં આવશે. ત્યાર બાદ મોકટેલ અને સોફ્ટ બેવરેજીસ આપવામાં આવશે. જે બાદ સુપ અને સ્ટાર્ટરમાં 4 પ્રકારના સ્ટાટરના ઓપ્શન હશે. સલાડમાં પણ ચાર પ્રકારના સલાડ ઓફર કરવામાં આવશે. જે બાદ લોકલ ગુજરાતી થાળી, નોર્થ ઈન્ડિયન અને ઈન્ડિયન રીજનલ ક્યુઝન, ઈન્ટરનેશનલ ક્યુઝન, વેસ્ટર્ન અને એશિયન સ્ટાઈલના પકવાન પીરસાશે. આ સાથે 3 પ્રકારની ઈન્ડિયન બ્રેડ આપવામાં આવશે. પાપડ, અથાણું, ચટણી અને ડેઝર્ટમાં ચાર સ્વીટ્સ અને 2 વેસ્ટર્ન ડેઝર્ટ પણ ઓપ્શન આપવામાં આવ્યા છે.
શું છે ફ્લૉટિંગ ક્રૂઝ રેસ્ટૉરન્ટની વિશેષતા
આ રેસ્ટોરન્ટ બે માળની ક્રૂઝ-કમ-ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ છે. પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે ખુલ્લી જગ્યા છે. એક સાથે 125થી 150 લોકો બેસી શકે એટલી ક્ષમતા છે. લાઈવ શૉ, સંગીત પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીઓ અને ઓફિસ મીટિંગ્સ સહિત મનોરંજન સુવિધાઓ પણ આ ફ્લૉટિંગ ક્રૂઝ રેસ્ટૉરન્ટમાં ઉપલબ્ધ છે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી એક રાઉન્ડ ટ્રીપમાં દોઢ કલાક જેટલો સમય લાગે છે. સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે આ ક્રુઝ રેસ્ટોરન્ટ માટે ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.