યુવાનોમાં વધતા હાર્ટ અટેકના સિલસિલામાં વધુ એક માસૂમનું મોત

મધ્યપ્રદેશના છત્તરપુરમાં 17 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત

by Dhwani Modi
Student got heart attack in Chhatarpur, News Inside

News Inside/ 12 July 2023

..

Student got heart attack| છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ખુબ ચિંતાજનક બાબત છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવે અને મોત થઈ જાય તેવી ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થવા લાગ્યો છે.

ઘણી વખતે એવી ઘટનાઓ સામે આવી છે જેમાં લગ્નમાં ડાન્સ કરતા કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય છે, તો કોઈને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ અટેક આવે છે. આવી જ વધુ એક ઘટના મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાંથી સામે આવી છે જ્યાં એક 17 વર્ષના વિદ્યાર્થીને શાળામાં પ્રાર્થના કરતી વખતે હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર છત્તરપુર જિલ્લાના મહર્ષિ વિદ્યામંદિરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 17 વર્ષના સમર્થને પ્રાર્થના કરતી વખતે હાર્ટ અટેક આવ્યો હતો. પ્રાર્થના ચાલતી હતી, તે દરમિયાન સમર્થ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. પ્રાર્થનામાં હાજર શિક્ષકોએ તુરંત જ તેને સીપીઆર આપ્યું, પરંતુ તેમ છતાં સમર્થ ભાનમાં ન આવ્યો. શિક્ષકોએ વિદ્યાર્થીને તુરંત જ હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી મુજબ, સમર્થ રોજની જેમ જ શાળાએ જવા નીકળ્યો હતો. શાળામાં પહોંચીને તે અન્ય બાળકોની સાથે લાઈનમાં ઊભો રહી પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે અચાનક જ બેભાન થઈ ગયો. સમર્થ તેના પરિવારમાં સૌથી નાનો હતો. પરિવારના સૌથી નાના સંતાનનું હાર્ટ અટેકથી મોત થઈ જતા પરિવારજનોની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.

Related Posts