News Inside/ 12 July 2023
..
Rajkot| વરસાદના વર્તારા વચ્ચે હાલમાં ખેડૂતોએ પોતાની પાસે રહેલી મગફળી વેચી દીધી છે. ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર સીંગતેલના ભાવ પર પણ થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. મગફળીના એક મણનો ભાવ 1731 રૂપિયા સુધી બોલાયો હતો. જે ખુબ ઊંચો ભાવ હોવાનું ખેડૂત આગેવાનો પણ માની રહ્યા છે. જાડી મગફળીનો ભાવ 1375 રૂપિયાથી 1731 રૂપિયા સુધી બોલાયો હતો.
જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1370થી લઈને 1570 રૂપિયા સુધી બોલાયો હતો. હાલ મગફળીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ ઘટી છે. ખેડૂતો પાસે હાલ મગફળીનો પાક રહ્યો નથી તેવા સમયે મગફળીના ભાવમાં ઉછાળો આવ્યો છે.
જગતનો તાત તનતોડ મહેનત કરીને ખેત ઉત્પાદન મેળવતા હોય છે. જોકે, કમનસીબની વાત એ છે કે જ્યારે ખેડૂત દ્વારા ઉત્પાદિત ખેતપાક જ્યારે તેઓ માર્કેટમાં વેચવા જતા હોય છે ત્યારે તેમને નજીવો ભાવ મળતો હોય છે. પરંતુ એ જ ખેતપાક જ્યારે તેઓ વેચી નાખતા હોય છે અને તેમની પાસે તેમણે ઉત્પન્ન કરેલો ખેતપાક હોતો નથી એ સમયે તે ખેતપાકના ભાવમાં મોટો ઉછાળો આવતો હોય છે.
સામાન્ય રીતે ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કરતા હોય છે ત્યારે તેઓને સારા ભાવની આશા જાગતી હોય છે. જોકે ખેડૂતો પાસે તેમણે જ ઉત્પન્ન કરેલી વસ્તુ ન રહે ત્યારે તેના ભાવ આસમાને પહોંચતા હોય છે. સામાન્ય રીતે કોઈ ખેડૂતો પાસે એવી કોઇ વ્યવસ્થા નથી હોતી કે તેઓ સારા ભાવ મળે ત્યાં સુધી પોતાની મગફળીના પાકનો સંગ્રહ કરી શકે.
વધી રહેલા મગફળીના ભાવની સીધી અસર સીંગતેલના ભાવ ઉપર પણ જોવા મળી રહી છે. સીંગતેલના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે મગફળીના વધતા ભાવ સામાન્ય પરિસ્થિતિવાળા લોકોની ચિંતા પણ વધારી શકે છે.