News Inside/ 12 July 2023
..
Potholes on Gujarat roads| દેશભરમાં વિકાસની વાતોની શરૂઆત ગુજરાતથી થઈ હતી. ગુજરાતે આખા દેશને વિકાસની વ્યાખ્યા આપી છે. વિકાસની વાત આવે ત્યારે ગુજરાતનું ઉદાહરણ આપવામાં આવે છે. પરંતું ગુજરાતનો વિકાસ રસ્તા પર દેખાય છે. ગુજરાતમાં એવો કોઈ રોડ નહિ હોય કે જ્યાં ખાડા ન પડ્યા હોય. ખાડા તો છોડો, હવે તો બ્રિજની હાલત પણ ખરાબ થઇ ગઈ છે. ગુજરાતવાસીઓને મજબૂરીમાં વાહનો ચલાવવા પડે છે. હવે તો ગુજરાતના લોકો ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ ખાડામાંથી પસાર થઈને દરેક ગુજરાતી પોતાની સાથે એક બીમારી ઘરે લઈ આવે છે. હાલમાં મોટેભાગે લોકોને કમરના દુખાવાનો પ્રશ્ન રહેતો હોય છે. ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે કમરના દુખાવાના દર્દીઓમાં 15 ટકાનો વધારો થયો છે. આ સાથે જ સ્પોન્ડીલોસિસના દર્દીઓ પણ વધ્યા છે. ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જ ખાડાની મોસમ પણ ખીલી છે. એક માહિતી અનુસાર, 5 વર્ષમાં ખાડામાં પડવાથી 466 લોકોના મોત થયા છે. આ આંકડો સરકાર માટે ભલે નાનોસૂનો હોય, પણ કોઈના પરિવાર માટે આ નાની વાત નથી. કમરતોડ ખાડાથી હવે ગુજરાતની જનતા ભારે પરેશાન થઈ રહી છે.
ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં ખાડામાં પડવાથી કેટલાં લોકોના મૃત્યુ થયા તે જણાવીએ તો 2017માં 98 પુરુષ અને 24 મહિલા, 2018માં 80 પુરુષ અને 9 મહિલા, 2019માં 78 પુરુષ અને 14 મહિલા, 2020માં 78 પુરુષ અને 10 મહિલા જ્યારે 2021માં 66 પુરુષ અને 9 મહિલા ખાડામાં પડતાં તેમના મોત નિપજ્યા હતા. એટલે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે ખાડા ખોદવામાં આવે છે. પરંતુ પછી તેને યો્ગ્ય રીતે પૂરવામાં આવતા નથી અને આ જ ખાડા ચોમાસામાં વરસાદનું પાણી ભરાતાં બેસી જાય છે. જેમાં વાહનો કે વ્યક્તિ પડતાં તેમનું મોત નીપજે છે. આ લોકો દ્વારા અવારનવાર તંત્રને કામગીરી પૂરી કરવા માટે રજૂઆત કરવામાં આવે છે. પરંતુ ઘોર નિંદ્રામાં પોઢેલું તંત્ર પોતાના મનનું ધાર્યુ જ કરે છે અને આ મનમાની લોકોનો જીવ લઈને જ જાય છે.
અમદાવાદ શહેરના એસપી રીંગરોડની બિસ્માર હાલત જોવા મળી. શાંતિપુરા ચોકડીથી સનાથલ બ્રિજ તરફ રોડની અત્યંત બિસ્માર હાલત છે. મોટા વાહનોના પૈડા અંદર ઉતરી જાય તેવા મસમોટા ખાડા પડ્યા છે. ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી અહી ઉઘાડી પડે છે. શહેરના વૈભવી વિસ્તારો પૈકીનો એક વિસ્તાર હોવા છતા પણ આવી ગંભીર સ્થિતિ છે. તો બીજા વિસ્તારોની વાત જ શુ કરવી. ડ્રેનેજના રીપેરીંગ સહીતના કારણોથી તંત્ર દ્વારા રોડ-રસ્તાઓ પર ખોદકામ કરાયું છે. આ કારણે નાના વાહનોથી લઇ ભારે વાહનો સુધીના ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.