અરેરે… આવો તે કેવો ગુસ્સો? પત્નીને પિયર ન મોકલવા પોતાના જ ઘરમાં આગ ચાંપી

પત્નીને પિયર ન મોકલવા શખ્સે પોતાનું જ ઘર સળગાવ્યું, પોતાના પિતા પર પણ કર્યો હુમલો

by Dhwani Modi
The man burned his own house in Rajasthan's Alwar, News Inside

News Inside/ 12 July 2023

..

Alwar, Rajasthan| રાજસ્થાનના અલવર જિલ્લાના રામગઢમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. રામગઢના ઓડેલા ગામમાં એક શખ્સનો અજીબ ગુસ્સો સામે આવ્યો છે. આ શખ્સ પોતાની પત્નીને પિયર મોકલવાથી એટલો નારાજ હતો કે, તેણે પોતાનું જ ઘર સળગાવી માર્યું. એટલું જ નહીં ગુસ્સે ભરાયેલા આ શખ્સે પોતાના પિતા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દીકરાનું આક્રમક સ્વરુપ જોઈને પીડિત પિતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસને પોતાની વ્યથા કહી હતી.

રામગઢ પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા કમાલદીને જણાવ્યું કે, આ મામલાને લઈને ઓડેલા નિવાસી શહઝાદ મેવે પોતાના મોટા દીકરા અઝરૂદ્દીન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતે અઝરૂદ્દીનથી તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. તેમણે રિપોર્ટમાં પોતાનો દીકરો ખૂંખાર હોવાનું જણાવ્યું હતું. શહઝાદના જણાવ્યા અનુસાર, તેની બંને પુત્રવધુઓ સગી બહેનો છે. તેની પુત્રવધુના એકના એક ભાઈના 9 જુલાઈએ લગ્ન હતા.

અડધી રાતે પેટ્રોલ લઈને પહોંચ્યો અને આગ લગાવી દીધી
બંને બહેનો પોતાના એકના એક ભાઈના લગ્નમાં પિયર જવા માંગતી હતી. પરંતુ અઝરૂદ્દીન પોતાની પત્નીને તેના પિયરમાં મોકલવા માગતો નહોતો. તેથી તે ગાડીની પાછળ ગયો. આ દરમિયાન પરિવારે નાની વહુને પણ પિયર મોકલી દીધી. તેનાથી અઝરુદ્દીનનો પિત્તો ગયો. તે સોમવારે અડધી રાતે પેટ્રોલ, દેસી કટ્ટા અને કુહાડી લઈને ઘરે પહોંચ્યો અને પેટ્રોલ છાંટી ઘરને આગ ચાંપી દીધી.

પરિવારજનો પાડોશીને ત્યાં રહેવા માટે થયા મજબૂર
અઝરીદ્દીને ચાંપેલી આગને કારણે ઘરનું ફર્નીચર અને સામાન બળી ગયો હતો. તેની સાથે જ ઘરમાં રાખેલા 40 હજાર રૂપિયા પણ બળીને ખાખ થઇ ગયા હતા. પીડિત પિતાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, તેમણે દીકરાને રોકવાની કોશિશ કરી હતી. જેને લીધે દીકરાએ તેમના પર પણ હુમલો કરી દીધો. બાદમાં તેમણે જેમ તેમ કરીને ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ આખો પરિવાર ડરીને ઘરની બહાર નીકળી ગયો અને પાડોશીને ત્યાં રહેવા મજબૂર થયાં. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Related Posts