News Inside/ 12 July 2023
..
Bollywood| ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ પર હોબાળો થયા બાદ ‘દંગલ’ ફેમ ડાયરેક્ટર નિતેશ તિવારી ‘રામાયણ’નું પોતાનું વર્ઝન લઇને રૂપેરી પડદે આવી રહ્યાં છે. તે ફિલ્મને લઇને ખૂબ જ સચેત છે. દર્શકો આશા રાખી રહ્યાં છે કે તે ‘આદિપુરુષ’ જેવી ભૂલો નહીં કરે અને ‘રામાયણ’ને યોગ્ય રીતે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરશે.
અત્યાર સુધી એવી અટકળો હતી કે, નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર રામ અને આલિયા ભટ્ટ સીતાનો રોલ ભજવવાના હતા. જો કે હવે એવા અહેવાલો સામે રહ્યાં છે કે, આલિયા ભટ્ટ આ પ્રોજેક્ટમાંથી બહાર થઇ ગઇ છે, જ્યારે રણબીર કપૂર ‘ભગવાન રામ’ના પાત્ર સાથે આગળ વધશે.
રણબીર-આલિયાના ફેન્સને જોરદાર ઝટકો લાગી શકે છે, પરંતુ આલિયા નિતેશ તિવારીની ‘રામાયણ’માં સીતાના રોલમાં નહીં જોવા મળે. એક માહિતી અનુસાર, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સાઇ પલ્લવીને માતા સીતાના રોલમાં રણબીર કપૂરની ઓપોઝિટ કાસ્ટ કરવામાં આવી છે.
નિતેશ તિવારીની રામાયણ વિશે એવી અટકળો છે કે, આ ફિલ્મ 2024ના અંતમાં અથવા 2025ની શરૂઆતમાં સિનેમાઘરોમાં આવી શકે છે. જો કે આ ફિલ્મને લઈને હજુ પણ ઘણી શંકાઓ સેવાઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ફિલ્મના મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મની કાસ્ટ અને રિલીઝ ડેટ અંગે મોટી જાહેરાત કરશે.
નિતેશ તિવારીની ‘રામાયણ’ પોતાની સ્ટારકાસ્ટને લઇને ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહી છે. એવી ચર્ચાઓ છે કે, સાઉથ ફિલ્મ જગતનો અભિનેતા યશ આ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવશે. જોકે, એવા પણ સમાચાર છે કે રણબીર કપૂર સિવાય રિતિક રોશન અને દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે.
જોકે, મેકર્સ તરફથી હજુ કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી. બીજી તરફ, આલિયા ભટ્ટે હજુ સુધી ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ ‘જી લે ઝરા’નું શુટિંગ શરૂ કર્યુ નથી.
ફિલ્મ ‘જી લે ઝરા’ને લઇને સારા અહેવાલો પ્રાપ્ત નથી થઇ રહ્યાં. એવી ચર્ચા છે કે, ફિલ્મની બાકી બે લીડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરાએ આ પ્રોજેક્ટને પડતો મૂકી દીધો છે.
ફેન્સ આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મ 28 જુલાઇ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ મુખ્ય પાત્રમાં છે.