News Inside/ 14 July 2023
..
Surat| ગઇકાલે ગુરુવારે મોડીરાતે સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતાં નાશભાગ મચી ગઇ હતી. સિટીલાઇટ વિસ્તારની એક બિલ્ડીંગના 10માં માળે આગ લાગતાં એપાર્ટમેન્ટના રહીશોએ દોડધામ મચાવી હતી. આ ઘટનામાં ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં બે બાળકો અને એક મહિલા ફસાયા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકો અને મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જોકે, બેભાન અવસ્થામાં મળી આવેલી મહિલાનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
સુરતમાં બિલ્ડિંગના 10મા માળે લાગી હતી આગ
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગઇકાલે મોડીરાત્રે સિટીલાઈટ વિસ્તારમાં આવેલા દેવપ્રભા એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની હતી. બિલ્ડીંગના 10માં માળે ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફ્લેટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા અને નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
આગ લાગવાની ઘટનામાં એક મહિલા સહીત બે બાળકો ફસાયા હતા. જેમને બહાર કાઢવા માટે ફાયરની ટીમે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. આગમાં ફસાયેલા બે બાળકોને ફાયરના જવાનો દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી. જેનું રેસ્ક્યૂ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બેભાન અવસ્થામાં મળી આવેલી મહિલાનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. આ દરમિયાન ફાયરના માર્શલ લીડર પણ હાથ, પગ અને મોઢાના ભાગે દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા.