News Inside/14 July 2023
..
Delhi| દિલ્હીમાં ત્રણ દિવસથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. તેની પાછળનું કારા છે યુમ્યુન નદીનું વધેલું જળસ્તર, પરંતુ દિલ્હીવાસીઓ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં યમુના નદીનું જળસ્તર હવે ધીમે ઘીમે ઘટવા લાગ્યું છે. દર કલાકે નદીનું પાણી ઓછું થવા લાગ્યું છે. જો કે, દિલ્હીના ઘણા વિસ્તારોના રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા છે. વસાહતોમાં પણ યમુના નદીનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે હજુ પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યમુના નદીના કારણે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં વધુ મુશ્કેલી જોવા મળી રહી છે.
દિલ્હી: યમુના નદીના જળસ્તર વધવાને કારણે ITO રોડ પર ભારે જળબંબાકાર
આજે શુક્રવારે સવારે દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ત્રણ દિવસ બાદ યમુના નદીનું ઉગ્ર સ્વરૂપ હવે શાંત થઈ રહ્યું છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી પાણીનું સ્તર સતત ઘટવા લાગ્યું છે. દર કલાકે બે સેન્ટિમીટર જેટલુ પાણી ઘટી રહ્યું છે. હાલમાં યમુના નદીનું જળ ખતરાના સ્તર કરતા 3 મીટર ઉપરથી વહી રહ્યું છે. હાલમાં પાણીના સ્તરમાં સતત ઘટાડો થતા સરકાર અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો આ રીતે સ્થિતિ થાળે પડે અને થોડા દિવસ વરસાદ ન આવે તો ટૂંક સમયમાં રાહતની અપેક્ષા રાખી શકાય છે. જો કે, દિલ્હીના ઘણા વિસ્તારોના રસ્તાઓ હજુ પણ યમુનાના પાણીને લીધે બેટમાં ફેરવાયેલા છે. પૂરના કારણે દિલ્હીના પ્રખ્યાત લાલ કિલ્લાને પણ આજે મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 8 કલાકમાં યમુના નદીના જળસ્તરમાં 17 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાયો છે. જો કે, શુક્રવારે સવારે હવામાન વિભાગ દ્વારા મળેલ એલર્ટ પ્રમાણે ફરી એકવાર મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. IMD અનુસાર, આગામી 2 કલાક દરમિયાન દિલ્હી અને તેના આસપાસના વિસ્તારો જેવા કે, જાફરપુર, નજફગઢ, દ્વારકા, પાલમ, IGI એરપોર્ટ, આયાનગર, દેરામંડી, NCR (ગુરુગ્રામ), ગોહાના, તથા સોનીપતમાં હળવો અને ઝરમર વરસાદ પડી શકે છે.
આ પહેલા ગુરુવારે રાત્રે 10 વાગ્યે દિલ્હીમાં યમુનાનું જળસ્તર 208.63 મીટર હતું. જે શુક્રવારે સવારે 6 વાગ્યે ઘટીને 208.46 મીટર થઈ ગયુ હતું. અગાઉ, યમુનાનું જળસ્તર ગુરુવારે રાત્રે 9 વાગ્યે 208.65 મીટર અને રાત્રે 8 વાગ્યે 208.66 મીટર હતું. ગુરુવારે રાત્રે 8 વાગ્યે જૂના રેલ્વે બ્રિજ પર યમુનાનું જળસ્તર 208.66 મીટર હતું. ત્યાં ચેતવણીનું સ્તર 204.50 મીટર અને ભયનું સ્તર 205.33 મીટર છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) અનુસાર, ટૂંક સમયમાં પાણીમાં ઘટાડો થવાની સંભાવના છે.
પૂરને પહોંચી વળવામાં દિલ્હી પ્રશાસન વ્યસ્ત
દિલ્હી સરકારે જણાવ્યું કે, તમામ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ, I&FC વિભાગ, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દિલ્હી પોલીસ અને અન્ય વિભાગો પૂરને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારોને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યા છે. લોકોને પૂરની સ્થિતિથી વાકેફ કરવા માટે નિયમિત જાહેરાતો કરવામાં આવી રહી છે. આવા દરેક સ્થળે પોલીસ કર્મચારીઓ અને સીડીવી તૈનાત કરીને લોકોને સલાહ આપવામાં આવી રહી છે. લોકોને નદીના પાણીથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.
આજે મુલાકાતીઓ માટે લાલ કિલ્લો રહેશે બંધ
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હીના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લો 14 જુલાઈના રોજ મુલાકાતીઓ માટે બંધ રહેશે. સોમવારે ખતરાના નિશાનને પાર કર્યા પછી, યમુનાનું પાણી રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓ પર ફેલાઈ ગયું, જેનાથી હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. યમુનાનું પાણી ઘણા દશકો બાદ મુઘલ કાળ દરમિયાન નિર્માણ પામેલા લાલ કિલ્લાની દિવાલો સુધી પણ પહોંચી ગયું હતું. કેટલાક સ્થળોએ લોકો કમર-સમા અને ગળા સમાન પાણીમાં મુસાફરી કરવા મજબૂર થયા હતા.
રાજઘાટ અને જુના કિલ્લા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તમને જણાવી દઈએ કે, લાલ કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તે મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તે જૂની દિલ્હીમાં યમુના નદી પાસે સ્થિત છે.