News Inside/ 14 July 2023
..
Surat| સુરત પોલીસને ફરી એકવખત કંટ્રોલરૂમમાં આવેલા કોલ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી આપઘાત કરવા જઈ રહેલી ફિઝીયોથેરાપી વિભાગની વિદ્યાર્થિનીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. જોકે વિદ્યાર્થીનીનું બે કલાક કાઉન્સિલિંગ કર્યા બાદ તેના પરિવારને સોંપાઈ હતી. જીવ બચાવવા પહોંચેલો પોલીસ સ્ટાફ પોતે કરેલા કામને લઈને ગર્વ સાથે અધિકારીઓની શાબાશી મેળવી રહ્યો છે.
પોલીસ ખરા અર્થમાં લોકોના સેવક અથવા લોકોને મદદ કરતા હોય છે તેમ સુરત પોલીસે ફરી એક વખત સાબિત કર્યું છે. ગત રાત્રે સુરત પોલીસ કંટ્રોલરૂમમાં દેહરાદુન ખાતેથી એક ફરિયાદ મળી હતી કે, નવી સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ કરતી તેમના સંબંધીની દીકરી પોતાના રૂમમાં આપઘાત કરવા જઈ રહી છે. આ વિગતને કંટ્રોલ રૂમે તાત્કાલિક કડોદરા પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસના પીસીઆરના ઇન્ચાર્જ સુશીલા ચૌધરી પોતાની ટીમના ત્રણ સભ્ય સાથે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને આ વિદ્યાર્થિનીને વિશ્વાસમાં લઈ તેના રૂમનો દરવાજો ખોલાવ્યો હતો.
જોકે વિદ્યાર્થિની છેલ્લા ત્રણ ચાર કલાકથી રૂમનો દરવાજો બંધ કરીને બેઠી હતી. જેને લઈને તે પરસેવાથી રેબજેબ થઈ ચૂકી હતી. દરવાજો ખોલતાની સાથે જ પોલીસે જોયું કે યુવતી પંખા પર દોરડું બાંધી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. જેને લઇ આ વિદ્યાર્થિની સાથે બે કલાક કાઉન્સિલિંગ કર્યા બાદ મૂળ બિહારના વતની અને હાલમાં અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા તેના પિતાને જાણ કરી મોડી રાત્રે તેમને સુરત ખાતે બોલાવી દીકરીનો કબજો સોપાવામાં આવ્યો હતો.
જોકે, પોલીસે કરેલી કામગીરીને લઈને તેમાં જોડાયેલા તમામ લોકોને સંતોષ હતો કે તેઓ જે કામ કરી રહ્યા છે તેને લઈને કોઈ વ્યક્તિનો જીવ બચી ગયો હતો. સાથે-સાથે સારી કામગીરીને લઈને અધિકારીઓ તરફથી આ પોલીસ કર્મચારી સુશીલા ચૌધરી અને તેમની ટીમના સભ્યોને અધિકારીઓ દ્વારા શાબાશી પણ આપવામાં આવી હતી.