News Inside/ 15 July 2023
..
Ahmedabad| આજ રોજ અમદાવાદની એક હોટલમાં ૐકાર સંપ્રદાયના સ્થાપક સદગુરુ ૐઋષિ સ્વામી દ્વારા બુક લોન્ચ કરવામાં આવી હતી. આ ૐકાર સંપ્રદાયની સ્થાપના સદગુરુ ૐઋષિ સ્વામી દ્વારા વર્ષ 1996ની 17મી જુલાઈ અને તે વર્ષના રથયાત્રાના દિવસે કરી હતી. આ ‘વેદાન્ત દર્શન – આર્ષેય ભાષ્યમ્’ બુક સદગુરુ ૐઋષિ સ્વામી દ્વારા જ લખવામાં આવી છે. આ પવિત્રગ્રંથમાં બ્રહ્મસૂત્ર અને વેદાંતના 200થી વધુ શ્લોકો તેમજ એ શ્લોકોનું ભાષ્ય સદગુરુ ૐઋષિ સ્વામીએ પોતાના દૃષ્ટિબિંદુથી અને જ્ઞાનચેતના દ્વારા લખ્યું છે. આ ગ્રંથને અત્યારે હિન્દી ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ ગ્રંથને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ બહાર પાડવામાં આવશે તેમ સ્વામીજીએ જણાવ્યું હતું.
સદગુરુ ઋષિ સ્વામીએ જણાવ્યું હતું કે, “વેદાન્ત દર્શન – આર્ષેય ભાષ્યમ્ એ પ્રત્યેક ભારતવાસીઓને જીવન જીવવા માટેનો અને વૈદ સમજવાનો સરળ માર્ગ છે અને આ ગ્રંથ રામરાજ્ય અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવશે. આ ગ્રંથ વાંચવાથી હિન્દુ ધર્મ અને દેશમાં રામરાજ્યની ફરીથી સ્થાપના કરવા માટે વેદાન્ત દર્શન અને વેદાન્તનું જ્ઞાન મળશે. જે દરેક હિન્દુ પાસે હોવું ખુબ આવશ્યક છે. વેદાન્ત દર્શનનું આ પુસ્તક હિન્દુઓનો પવિત્રય પણ કહી શકાય. આ ગ્રંથ દરેક ભારતવાસીના ઘરમાં હોવો જોઇએ.”
અત્યાર સુધીમાં સદગુરુ ઋષિ સ્વામી એ આધ્યાત્મિક પુસ્તક, મોટીવેશનલ પુસ્તક, મંત્રોનું પુસ્તક, નવલકથા, મહાત્મા ગાંધી ઉપર સંશોધન અને વિવેચના, ભારતના રાષ્ટ્રપતિઓ ઉપર સંશોધન અને વિવેચનો અને ૐગુરૂ રચિત ભજનસંગ્રહ એમ કુલ 22 જેટલા પુસ્તકો લખ્યા છે. તથા હાલમાં વિવિધ વૈદ પરના વિવેચન અને ગીતા દર્શન વિવેચન જેવા અન્ય 8 પુસ્તકોના લખાણનું કામ પ્રગતિમાં છે.
મહર્ષિ વેદવ્યાસ અને આદિશંકરાચાર્યએ ભારતવર્ષમાં નવા ધર્મની સ્થાપના કરવા માટે જે ધર્મ સ્થાપનાના નિયમ બનાવ્યા છે, તેમાં વેદાન્તનું ભાષ્ય કરવું અનિવાર્ય છે. જો કોઈ નવો ધર્મ સ્થાપિત થયો હોય અને એ ધર્મના સ્થાપકે જો વેદાન્ત દર્શનનું ભાષ્ય ન કર્યું હોય તો તે ધર્મને આ પૃથ્વી પર ધર્મ તરીકેની સ્વીકૃતિ ન આપી શકાય. તેથી વેદાન્તનું ભાષ્ય કરીને સદગુરુ ઋષિએ ધર્મસ્થાપનાના બધાં નિયમોની પૂર્ણાહૂતિ કરી છે. જેમાં સ્વરચિત ૐકાર ચાલીસા, શ્રી નવદુર્ગા ચાલીસા, ૐ શ્રી 12 જયોતિર્લિંગ ચાલીસાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સદગુરુ રચિત મંત્રો, શ્લોકો, 1000થી પણ વધુ સાધનાઓ, 108 ૐકાર આસન, તથા ૐ ઉપર રીસર્ચ ગ્રંથ કે જેનું નામ ‘ૐ એક મહામંત્ર’નો પણ સમાવેશ થાય છે. જે સદગુરુ ૠષિ સ્વામીએ વિરચિત કર્યા છે. એક નિયમ એવો પણ છે કે નવા સ્થાપિત કરેલ ધર્મની સ્વીકૃતિ માટે તે ધર્મની સ્થાપનાને ૨૫ વર્ષ પૂર્ણ થઇ જવા જોઇએ. તેથી આમ જોઈએ તો ૐકાર સંપ્રદાયએ વર્ષ 2023ની રથયાત્રાના દિવસે 27 વર્ષ પૂર્ણ થઈને 28મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.