બેચરાજીમાંથી નકલી માર્કશીટ બનાવતી ટોળકીનો થયો પર્દાફાશ, ઝેરોક્ષની દુકાનમાં ચાલતું હતું કૌભાંડ

મહેસાણાના બેચરાજીમાંથી ઝેરોક્ષ દુકાનના સંચાલક સહીત 2 આરોપીની નકલી માર્કશીટ બનાવવાના આરોપમાં થઇ ધરપકડ

by Dhwani Modi
Duplicate marksheet scam in Mehsana, News Inside

News Inside/ 15 July 2023

..

Mehsana duplicate marksheet scam| ગુજરાતમાં ફરી એક વખત નકલી માર્કશીટ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવવાના ગેરકાયદેસર રીતે ચાલતા ધંધાનો પર્દાફાશ થયો છે. મહેસાણામાં નકલી માર્કશીટ બનાવતા 2 શખ્સ પોલીસ સકંજામાં આવી ગયા છે. ફક્ત 1500 રૂપિયામાં નકલી માર્કશીટ બનાવી આપતી ગેંગનું કૌભાંડ ઝડપાયું છે. આ ટોળકી બેચરાજીમાં એક ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવતી હતી. આદિત્ય કોમ્પલેક્ષમાં આવેલી અંબિકા ઝેરોક્ષની દુકાનમાં માર્કશીટ બનાવાતી હતી. જેમાં ધોરણ 10,12 થી લઈને ITI, ડિપ્લોમાની માર્કશીટ તૈયાર જ મળી જતી હતી. આ કૌભાંડ ઉત્તર ગુજરાતની વિવિધ કંપનીઓમાં નોકરી મેળવવા માટે ચલાવાતુ હતું. જેમાં સંચાલક કુલદીપ હરગોવિંદ સોલંકી સહિત 2 આરોપીની ધરપકડ કરાઈ છે.

ગુજરાતમાં શિક્ષણ તંત્રની ગુણવત્તા ઘટી રહી છે એ બાબત આ ઘટના પરથી છતી થઈ રહી છે. અહી રૂપિયા ખર્ચો એટલે બધુ તૈયાર થઈ જાય છે. આવામાં મહેસાણા જિલ્લાના બહુચરાજીથી નકલી માર્કશીટનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વિજય ઝાલા અને કુલદીપ સોલંકી નામના શખ્સો એક નાનકડી ઝેરોક્ષની દુકાનમાં આ કૌભાંડ આચરતા હતા. બંને ભેગા મળી પોતાના કોમ્પ્યૂટરમાં ધોરણ 10, 12, ITI અને ડિપ્લોમા સુધીની માર્કશીટોમાં છેડછાડ કરી નકલી માર્કશીટ બનાવી આપતા હતા.

મહેસાણા LCB એ આ ઝેરોક્ષની દુકાન પર રેડ પાડી હતી. કાર્યવાહી દરમિયાન LCBની ટીમ દ્વારા માર્કશીટ કાઢવા હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 તેમજ કોમ્પ્યુટર સહિતના સાધનો મળીને કુલ રૂ. 86,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ તરફ હવે આ કેસમાં LCBએ બંને આરોપીઓ સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં કલમ 465, 468, 471, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે.

અત્રે મહત્ત્વની બાબત તો એ છે કે, કોમ્પ્યુટરમાં તૈયાર જ ફર્મામાં ફક્ત નામ બદલીને એક જ સેકન્ડમાં નકલી માર્કશીટ બની જતી હતી. માર્કશીટનો બેચરાજી નજીકની કંપનીઓમાં નોકરી મેળવવા ઉપયોગ થતો હતો. મારુતિ સુઝુકી, હાંસલપુર અને હોન્ડાના વીઠલાપુર પ્લાન્ટમાં નોકરી મેળવવા માટે આવી નકલી માર્કશીટનો ઉપયોગ કરાતો હતો. સ્થળ પરથી નકલી માર્કશીટો, લિવિંગ સર્ટિફિકેટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર ઝડપાયું હતું. બેચરાજી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં કુલદીપ હરગોવિંદ સોલંકી નામના ઝેરોક્ષની દુકાનના સંચાલક સહિત 2 ની ધરપકડ કરાઈ છે.

Related Posts