અરવલ્લીથી સામે આવી શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના, સમગ્ર પંથકમાં ફેલાઈ આ ઘટનાની ચર્ચા

અરવલ્લીમાં શાળાના શિક્ષકે તે જ શાળાની શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ

by Dhwani Modi
Aravalli rape case, News Inside

News Inside/ 15 July 2023

..

Rape case| અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાના એક શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, શામળાજી ભિલોડા રોડ ઉપર શામલપુર ગામની સીમમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા વિજયનગરના ડગલા ગામના રહેવાસી શિક્ષક અર્જનસિંહ સિસોદિયા નામના શિક્ષકે તે જ સ્કૂલ કેમ્પસમાં ફરજ બજાવતી શિક્ષિકાને વિશ્વાસમાં લઈને બે દિવસ અગાઉ સાંજના સમયે પોતાની બાઇક પર બેસાડી ખોડંબાથી કુસકી તરફના રોડ ઉપર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં શિક્ષિકાએ શિક્ષક વિરુદ્ધ મોડાસાના ટીંટોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વિજયનગરના ડગલાના લંપટ શિક્ષક અર્જનસિંહ સિસોદિયા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

જોકે શિક્ષિકાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડવા તપાસની ગતિ તેજ કરી છે. પરંતુ શિક્ષણ જગતને કલંક લગાડતી આ ઘટના બાદ શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું.

Related Posts