ચોમાસામાં ફાટી નીકળ્યો કન્જેકટીવાઇટીસ નામનો રોગ ચાળો, સુરતમાં દરરોજના 300થી વધુ કેસ નોંધાયા

બાળકોમાં આંખ આવવાના ચેપી રોગમાં થયો વધારો, સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ

by Dhwani Modi
Infectious eye disease increased in Surat, News Inside

News Inside/ 15 July 2023

..

Conjunctivitis in Surat| ચોમાસાની ઋતુમાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સુરતની સ્મીમેર-સિવિલ હોસ્પિટલની OPDમાં આંખ આવવાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ફક્ત નવી સિવિલ હોસ્પિટલમાં જ 375થી વધુ કેસ નોંધાઇ ગયા છે.

પ્રતિદિન 300થી વધુ આંખ આવવાના કેસ
સુરતમાં છેલ્લા 10 દિવસથી આંખ આવવાના કેસો સામે આવી રહ્યા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં આ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આવેલી આંખની OPD હાલ આંખ આવવાના દર્દીઓથી ભરેલી જોવા મળી રહી છે. દરરોજના 300થી વધુ કેસો સામે આવી રહ્યા છે.

આંખના રોગના કેસોમાં વધારો 
આંખના ડિપાર્ટમેન્ટના હેડ ડો. પ્રીતિ કાપડિયાએ જણાવ્યું કે, હાલ શહે૨માં આંખ આવવાના કેસોમાં વધારો થયો છે. આ વાયરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કન્જેકટીવાઇટીસ નામનો રોગ થાય છે. જેને સામાન્ય ભાષામાં આંખ આવી તેમ કહેવાય છે.

બાળકોથી લઈને વડીલો સુધી ચેપ ફેલાયો
હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારીનો ચેપ વધુ જોવા મળી રહ્યો છે. હાલ આ ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કન્જેકટીવાઇટીસના કેસ વધ્યા છે. સામાન્ય રીતે આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે. જેને આંખ આવી છે તેના સંપર્કમાં આવવાથી, હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારીનો ચેપ લાગે છે.

ડોક્ટર પાસે તપાસ કરાવવા સલાહ
હાલની ઋતુમાં જો કોઈની આંખ લાલ દેખાય તો તે વ્યક્તિએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એકવાર ડોક્ટરને મળીને પોતાની આંખની ચોક્કસ તપાસ કરાવી લેવી જોઈએ. ઘરના કોઈ સભ્યને પણ આંખ આવી હોય તો દવા ચોક્કસથી લેવી જોઈએ. આંખ આવવાની પરિસ્થિતિ પાંચ દિવસથી લઈને અઠવાડિયા સુધી રહેતી હોય છે.

સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારીમાં વધારો નોંધાયો છે. કન્જેક્ટિવાઇટિસ ચેપ બાળકોથી વડીલો સુધી ઝડપથી ફેલાયો છે. સોલા સિવિલમાં આંખની OPD બહાર દર્દીઓની લાઈન જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં ફક્ત બે થી ત્રણ કેસ જોવા મળતા હોય છે, પરંતુ અત્યારે આ આંકડો વધીને દરરોજના 40 થી 50 કેસ આવી રહ્યા છે. ચેપી રોગ હોવાના કારણે આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. નાના બાળકોમાં આંખની બીમારી વધુ જોવા મળે છે.

Related Posts