News Inside/ 17 July 2023
..
Gujarat rain forecast| ગુજરાતમાં રાજ્યમાં મેઘરાજાની ત્રીજી વખતની એન્ટ્રી ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, ઇસ્ટ વેસ્ટ ટ્રેક ડેવલોપ થઇ રહ્યુ છે. જેના કારણે આખા ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 63 ટકા વરસાદ નોંધાયો છે.
ડો. મનોરમા મોહંતીએ હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી સાત દિવસમાં આખા રાજ્યમાં વરસાદ આવવાની સંભાવના છે. આજે પહેલા દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. મોટાભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતના હવામાન અંગે તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમકે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત, તેમના જણાવ્યા મુજબ 17થી 23 જુલાઈ સુધીના સાત દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત 19થી 21 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
માછીમારી અંગેની ચેતવણી આપતા જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને પાંચ દિવસની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 19થી 21 તારીખ સુધી માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન ફીશરમેન વોર્નિંગ રહેશે.
આ ઉપરાંત તેમણે અમદાવાદમાં વરસાદની આગાહી અંગે વાત કરતા જણાવ્યુ કે, સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં પણ આગામી સાત દિવસમાં વરસાદ થઇ શકે છે. જ્યારે આગામી 19 અને 20 તારીખે શહેરમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે.
આ અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, તારીખ 17, 18, 19, અને 20 દરમિયાન ભારે વરસાદ થશે. મુંબઇથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. જામનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે પોતાની લેટેસ્ટ આગાહીમાં જણાવ્યુ કે, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગો, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અમદાવાદ અને પંચમહાલમાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે વડોદરા, સાવલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.