News Inside/ 17 July 2023
..
Rajkot| ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ યુવાન લોકોના હાર્ટ એટેકથી મોતની ખબરો અવાર-નવાર સામે આવતી હોય છે. તેવામાં રાજકોટ શહેરમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શહેરની લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય મુદીત અક્ષય નળિયાપરા નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. આ બાળક શાળામાં અચાનક જ બેભાન થઇ ગયો હતો. જે બાદ તેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર, રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં હાલ પરીક્ષા ચાલી રહી હતી. તે દરમિયાન ધોરણ-12માં અભ્યાસ કરતો મુદીત વર્ગખંડમાં જ બેભાન થઇ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મુદીતને 108ના ડોક્ટરે પણ પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થીના પિતા અક્ષયભાઇ નળિયાપારા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મુદીતે કોરોના વાયરસની બે રસી પણ મુકાવી હતી.