News Inside/ 18 July 2023
..
Fraud| કેનેડા અને અમેરિકા સીધી રીતે જવા ન મળે તો ગેરકાયદેસર રીતે પણ વિદેશ જવું, યુવાનોમાં આ એક નવો ટ્રેન્ડ સેટ થયો છે. ત્યારે કેનેડા જવાનું કૌભાંડ સામે આવ્યું છે. જે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ બની ગયુ છે. કેનેડા જવા માટેના 28 લોકોના બાયોમેટ્રિક પ્રક્રિયા, એપોઈન્ટમેન્ટ લેટર વિના જ ઈસ્યુ થયા છે. અમદાવાદની વીએફએસ ગ્લોબલ કંપનીના પૂર્વ કર્મચારીએ અન્ય કર્મચારીઓ સાથે મળીને મોટું કૌભાંડ આચર્યું હતું, જેનો ભાંડો ફૂટ્યો છે.
હાલ કેનેડા જવા માટે લાખો લોકો તત્પર બન્યા છે. આ માટે તેઓ ગમે તેટલા રૂપિયા આપવા માટે તૈયાર છે. એટલે જ કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આવા લોકોને છેતરવા પણ માર્કેટમાં ઢગલાબંધ લોકો છે. ત્યારે વિદેશ જવા ઈચ્છતા લોકો સાથે મોટી છેતરપીંડી થઈ છે. તેમના વિઝા અને બાયોમેટ્રિકનું કામ કરતી કંપનીના કર્મચારીઓએ એપોઈન્ટમેન્ટ લેટર ઈસ્યુ થયા વિના જ બાયોમેટ્રિક પ્રક્રિયા કરીને મોટું કૌભાંડ આચર્યું હતું. આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદમાં યુવાનોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનુ નવુ નેટવર્ક ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 યુવકો અને એક ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. કેનેડા જવા ઈચ્છતા 28 લોકોની ખોટી રીતે બાયોમેટ્રીક કરાવી છેતરપીંડી આચરી હતી. આરોપીએ બાયોમેટ્રીક એપોઇન્ટમેન્ટ લેટર પણ ખોટા બનાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. ટ્રાવેલ એજન્ટ સાથે મળીને આ કૃત્ય આચરાયુ હતું. કેનેડા હાઈકમિશન તરફથી માહિતી મળતા મામલો સામે આવ્યો છે. વિએસએફ ઓફિસના કેટલાક કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદની વીએસએફ ગ્લોબલ લિમિટેડ કંપની દ્વારા વિઝા ફેસીલીટેશન સર્વિસ સેન્ટરની કામગીરી પર દેખરેખ રાખવા ઉપરાંત વિદેશ જવા ઈચ્છુક નાગરિકોના બાયોમેટ્રીક, વિઝા અને પાસપોર્ટ તેમજ ઓળખ વ્યવસ્થાપન સંબંધિત કામ કરે છે. આ કંપનીને કેનેડા એમ્બેસી દ્વારા મેઈલ આવ્યો હતો કે, 28 જેટલા યુવક યુવતીઓના બાયોમેટ્રીક અમદાવાદ ખાતેની વિઝા એપ્લીકેશન સેન્ટરથી રજૂ થયા છે, પરંતુ તેમના એપોઈન્ટમેન્ટ લેટર ઈસ્યુ થયા નથી. સાથે જ તેમના દ્વારા આ 28 લોકોની યાદી પણ મોકલવામાં આવી હતી.
જેમાં ખૂલ્યુ કે, કંપનીના સ્ટાફ દ્વારા જાણ બહાર એપોઈન્ટમેન્ટ વગર લોકોને બોલાવીને બાયોમેટ્રીક અપાતા હતા. મેહુલ ભરવાડ નામનો કંપનીનો પૂર્વ કર્મચારી ટ્રાવેલ એજન્ટની મદદથી જે વ્યક્તિઓના એપોઈન્ટમેન્ટ લેટર ઇસ્યુ ન થયા હોય તેવા લોકોને બાયોમેટ્રીક અપાવીને બારોબાર હાઈકમિશનની સાઈટ પર અપલોડ કરતા હતા. જેમાં કંપનીના મેલ્વીન અને સોહિલ પણ તેમની મદદ કરતા હતા.
આ સમગ્ર કૌભાંડ માટે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. ત્યારે આ કૌભાડમાં હજી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.