News Inside/ 18 July 2023
..
Gujarat| સમાજમાં ઘણાં મોટા મોટા દાનવીર છે. જેમની પાસે લાખો કરોડો રૂપિયા છે અને તેઓ સમાજમાં દાન કરીને અનોખા ઉદાહરણ સાબિત કરતા હોય છે. જેની પાસે વધારે છે, તે સમાજને આપે છે તે સમજી શકાય. પરંતુ જે લોકો માંડ રૂપિયા ભેગા કરીને જીવતા હોય તેવા લોકો દાન કરે તો તેઓ સમાજના અસલી દાનવીર બને છે. આવુ જ કંઈક નડિયાદના એક વૃદ્ધે કર્યું છે. જેઓએ પોતાની જિંદગીની બધી કમાણી વૃદ્ધાશ્રમમાં દાન કરી દીધી હતી.
આ દાનવીર કર્ણ છે નડિયાદના રહેવાસી પી.ડી. પટેલ. આ NRI સિનિયર સિટીઝને ભેગું કરેલ પેન્શનમાંથી મહત્તમ રકમ વસોના રૂણ ખાતેના હિરાબા વૃધ્ધાશ્રમમાં દાન કર્યું છે. મૂળ વસોના રામપુર ગામના વતની પી.ડી. પટેલે કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. તે બાદ તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. જ્યાં તેમનો પરિવાર મોટો થયો હતો.
અમેરિકામાં તેઓએ અઢળક સંપત્તિ ભેગી કરી છે. હવે તેમના દીકરાઓ અમેરિકામાં સેટ થતા જ તેઓએ વતનની વાટ પકડી છે. પોતાના વતન માટે કંઈક કરવાની ખેવના ધરાવતા વૃદ્ધએ અનેક પરોપકારી કાર્યો કર્યા છે. ત્યારે તેઓને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો માટે કંઈક કરવુ હતું, તેથી રૂણ ગામે બે વર્ષ પહેલાં ત્રણ કરોડનો ખર્ચ કરી અદ્યતન વૃધ્ધાશ્રમ બનાવ્યું હતું.
પરંતુ હવે તેઓએ પોતાને મળેલી સોશિયલ સિક્યોરિટીની રકમ પણ વૃદ્ધાશ્રમને દાન કરી દીધી છે. આજે તેમની જીવનમૂડીથી રૂણ હીરાબા વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો આસરો મેળવી રહ્યાં છે. ત્યારે પી.ડી. પટેલ અનેક લોકો માટે મસીહા બન્યા છે.