Muradabad| હાલમાં પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને ભારતીય શખ્સ સચિન મીનાની લવ સ્ટોરી ખૂબ ચર્ચામાં છે. કંઈક આવી જ લવ સ્ટોરી મુરાદાબાદમાંથી સામે આવી છે, પણ આ લવ સ્ટોરીમાં પ્રેમિકા તેના પ્રેમીની જાની દુશ્મન બની હતી. બાંગ્લાદેશની જુલી એક વર્ષ પહેલા ફેસબુક પર પ્રેમી બનેલા અજય પાસે મુરાદાબાદ આવી ગઈ હતી. તેની સાથે 11 વર્ષની એક દીકરી પણ હતી. તેમણે હિન્દુ ધર્મ અપનાવીને લગ્ન પણ કર્યા. ત્રણ મહિના પહેલા તે વીઝા રિન્યૂવલ કરાવવાની વાત કહીને બાંગ્લાદેશ ગઈ હતી. દેશની સરહદ પાર કરવા માટે તે તેના પ્રેમી અજયને પણ સાથે લઈ ગઈ હતી. ત્યાંથી બંને સરહદ પાર કરીને બાંગ્લાદેશ પહોંચ્યા હતા.
ફોન પર બાંગ્લાદેશ પહોંચ્યો હોવાની આપી હતી જાણકારી
અજયે બાંગ્લાદેશ પહોંચવાની જાણકારી પોતાની માતા સુનીતાને ફોન પર આપી હતી. ત્રણ દિવસ પહેલા જુલીએ લોહીથી લથબથ હાલતમાં અજયનો ફોટો તેની સાસુ સુનીતાને વોટ્સએપ પર મોકલ્યો છે. હવે તે ફોન પણ રિસીવ નથી કરતી. અજયની માતા સુનીતાએ એસએસપીને પત્ર સોંપીને દીકરાને બચાવવાની માંગ કરી છે.
15 દિવસમાં જુલી જતી રહી બાંગ્લાદેશ
સિવિલ લાયંસ પોલીસ સ્ટેશનમાં નવા ગામની રહેવાસી સુનીતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો દીકરો અજય બાંગ્લાદેશની રહેવાસી જૂલી નામની મહિલા સાથે વોટ્સએપ પર વાત કરતો હતો. એક વર્ષ પહેલા જુલી પોતાની 11 વર્ષની દીકરી હલીમા સાથે ભારત આવી, ત્યારે તે બાંગ્લાદેશી હોવાની જાણ થઈ હતી. 15 દિવસ અહીં રહ્યા બાદ તે ફરીથી બાંગ્લાદેશ પાછી જતી રહી હતી.
વોટ્સએપ પર ફોટો મોકલ્યો
અજયની માતા સુનીતાનું કહેવું છે કે, અજયનો થોડા દિવસ પહેલા ફોન આવ્યો હતો કે, ‘માં હું બાંગ્લાદેશમાં છું. 10-15 દિવસમાં પાછો આવી જઈશ.’ પણ થોડા દિવસો બાદ અજયનો ફોન ફરી વાર આવ્યો અને તેણે કહ્યું કે, ‘માં થોડા રૂપિયા મોકલી દે’ અને તે બાદ ફોન કપાઈ ગયો. ત્યાર બાદ સુનીતાને વોટ્સએપ પર લોહીથી લથબથ હાલતમાં પોતાના દીકરા અજયનો ફોટો મળ્યો. ત્યારથી તે ન્યાય માટે ભટકી રહી છે. સોમવારે સુનિતાએ એસએસપીને ફરિયાદ આપીને તેમના દીકરા સાથે સરહદ પાર થયેલી ઘટના વિશે જાણ કરી હતી.
તપાસ બાદ થશે કાર્યવાહી, એસએસપી
મહિલાએ એસએસપી પાસેથી મદદ માંગીને દીકરાને હેમખેમ બાંગ્લાદેશથી ભારત લાવવાની ભલામણ કરી છે. એસએસપી હેમરાજ મીણાએ જણાવ્યું છે કે, મહિલાએ ફરિયાદ આપી છે. જેની તપાસ એનઆઈએ પાસે કરાવવાની ભલામણ કરી છે. સ્થાનિક સ્તર પર તપાસ થઈ રહી છે. તપાસમાં જે પણ તથ્ય સામે આવશે, તેના આધાર પર વધુ કાર્યવાહી થશે.