Iskcon bridge accident| ગત મધરાતે ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતે ચર્ચાનું જોર પકડ્યું છે. ઘટનાને લઈને અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે જેગુઆર કારચાલક તથ્ય પટેલ સહિત તેના મિત્રોને પોલીસ પૂછપરછ માટે બોલાવ્યા છે. હાલમાં આ તમામ નબીરાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવનાર છે.
જેગુઆર કારમાં સવાર તમામ યુવક-યુવતીઓએ નશો કર્યો હતો કે નહીં તે મામલે પણ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, કારચાલક તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લેટેસ્ટ માહિતી મુજબ, તથ્ય પટેલને ICUમાંથી સ્પેશ્યિલ વોર્ડમાં લઇ જવામાં આવ્યો છે. જયારે તેને વધુ સારવાર અર્થે રાખવામાં આવશે.
બુધવારની મધરાતે એસજી હાઇવે ખાતે ડમ્પર અને મહેન્દ્રા થાર વચ્ચે સર્જાયેલા નાના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું એકઠું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી નાખ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું છે.
આ ઘટનામાં સંડોવાયેલા તથ્ય પટેલ સિવાય કારમાં સવાર અન્ય નબીરાઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પૂછપરછ માટે બોલાવાયેલ યુવક-યુવતીઓમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ પંચાલ અને માલવિકા પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોટાના કુખ્યાત વ્યક્તિ અને કથિત આરોપી તથ્ય પટેલ પિતા પ્રજ્ઞેશ પટેલને પણ પોલીસ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
તથ્ય પટેલે સર્જેલો અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, રસ્તા પર ચંપલોના ઢગલા થઈ ગયા હતા અને લાશોના ચીથરા ઉડી ગયા હતા. એક લાશ કારના બોનેટ પર જ પડી રહી હતી. તમામ લાશના દ્રશ્યો હૃદય કંપાવી દેનાર હતા. ત્યારે આ મામલે મૃતકોના પરિવારજનોએ સરકાર પાસે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે.
ઘટનાસ્થળ પર હાજર લોકોએ જેગુઆર કારચાલક તથ્ય પટેલને ઝડપી પાડ્યો હતો અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. હવે ઘટનાની સૌથી ગંભીર બાબત તો એ છે કે, જેગુઆર કારચાલકના પિતા તેને પોલીસની હાજરીમાં મોંઘી દાટ ગાડીમાં બેસાડીને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ ગયા હતા. તે બાદ પોલીસને ફોન કરીને કહે છે કે, ‘તમારે કામ હોય તો હોસ્પિટલ આવજો.’ ત્યારે સવાલ ફક્ત એ છે કે પોલીસની હાજરીમાં આરોપીને કોઈ આ રીતે લઈ જાય તે કેટલું યોગ્ય ગણાય?