Monsoon 2023| ગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે હજુ પણ આગામી 4 દિવસ વરસાદ ગુજરાતને ઘમરોળશે. આ સાથે જ દ્વારકા જિલ્લા માટે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. આવનાર દિવસોમાં દ્વારકામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ, છેલ્લા 4 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ખંભાળિયામાં 4 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો, રાણાવાવ અને જૂનાગઢમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામખંભાળિયામાં મેઘરાજાએ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસાવ્યો છે. અનરાધાર વરસાદ વચ્ચે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. મુખ્ય બજારમાં રસ્તા જળમગ્ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે.
દ્વારકા સહીત જૂનાગઢ જીલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા ચાર કલાકમાં જૂનાગઢમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વંથલી અને કેશોદમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે.
આ ઉપરાંત, આજે બપોરે સુધી 22 જિલ્લાને સાવધાન રહેવાની જરૂર છે. હવામાન વિભાગ દ્વારા 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બપોર સુધીમાં અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ આજે અતિભારે વરસાદ થઈ શકે છે. આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં સેરરાશ 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 3 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 2 જિલ્લામાં 75થી 100 ટકા સુધીનો વરસાદ નોંધાયો છે. અન્ય 15 જિલ્લામાં 51થી 75 ટકા સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 13 જિલ્લામાં 26થી 50 ટકા સુધીનો વરસાદ ખાબક્યો છે.