Manipur viral video| મણિપુરમાં બે મહિલાઓને નગ્ન હાલતમાં આખા ગામ વચ્ચે ફેરવવા અને તેમનું યૌન શોષણ કરવાના કિસ્સામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભીડમાં શામેલ મુખ્ય આરોપીની ઓળખ થઈ ગઈ છે. પોલીસે પેચી અવાંગ લીકાઈના રહેવાસી 32 વર્ષીય હુઈરેમ હેરોદાસ મેઈતેઈની ધરપકડ કરી લીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આરોપીની બે તસ્વીરો શેર કરી છે. જેમાં પહેલી તસ્વીરમાં મહિલાઓને લઈ જવા દરમિયાન સામે આવેલા વીડિયોનો સ્ક્રીનશોટ છે, જ્યારે બીજી તસ્વીરમાં આરોપી પોલીસ ગિરફ્તમાં હોવાનું દર્શાવાયું છે.
મણિપુરના એક પોલીસ અધિકારીએ હિન્દુસ્તાન ટાઈમ્સને નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, આ મામલા સાથે જોડાયેલ એફઆઈઆરમાં રેપ અને હત્યાની કલમોને જોડવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય સંડોવાયેલા લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. અહીંયા જણાવી દઈએ કે, 4 મે, 2023ના રોજ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં કુકી સમુદાયની મહિલાઓને નગ્ન કરીને ભીડ દ્વારા તેમનું શારીરિક શોષણ કરાયુ હતું. આ ઘટનામાં લગભગ 800થી 1000 લોકોની ભીડ વચ્ચે આ મહિલાઓને નગ્ન કરી તેમનું શોષણ કરવામાં આવ્યું હતું. બી ફીનોમ ગામથી સામે આવેલા આ વીડિયો બાદ દેશભરમાં ખૂબ જ હોબાળો મચી ગયો હતો.
આખા ગામ પર ભીડે કર્યો હતો હુમલો
એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર, પાંચ લોકોનો એક પરિવાર ભીડથી બચવા માટે જંગલમાં ભાગી ગયો હતો. આખા ગામ પર 1000 લોકોની ભીડે હુમલો કરી દીધો. લૂંટફાટ કરી અને ઘરને આગ ચાંપી દીધી હતી. બાદમાં પોલીસે આ પરિવારને બચાવી લીધો હતો. પોલીસ તમામ પીડિતોને સુરક્ષિત જગ્યા પર લઈ જઈ રહી હતી, પરંતુ ભીડે તેમને શોધી કાઢ્યા હતા.
પોલીસના નાક નીચેથી મહિલાઓને લઈ ગયા હતા આરોપી
ભીડે એક ટોળાને નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનથી બે કિમી દૂર ટુબૂલની નજીક પરિવારને ઘેરી લીધો અને તેમને પોલીસ ગિરફ્તમાં લેવામાં આવ્યા. આ ભીડ દ્વારા 56 વર્ષિય એક વ્યક્તિની ઘટનાસ્થળ પર હત્યા કરી દેવામાં આવી. ત્યાર બાદ ભીડે મહિલાઓ પર હુમલો કર્યો. તેમના તમામ કપડા ઉતારી લીધા અને બાદમાં નગ્ન અવસ્થામાં ગામમાં ફેરવવામાં આવી હતી. ભીડે 21 વર્ષિય એક મહિલાની સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી હતી.
શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
પીએમ મોદીએ કહ્યું કે, ‘હું તમામ મુખ્યમંત્રીઓને આગ્રહ કરું છું કે તેઓ પોતાના રાજ્યમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે કઠોરથી કઠોર પગલાં ઉઠાવો. ઘટના ભલે રાજસ્થાનની હોય, છત્તીસગઢની કે પછી મણિપુરની હોય. આ દિશામાં હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં કોઈ પણ રાજ્ય સરકારમાં રાજનીતિથી ઉપર ઉઠીને કાયદો વ્યવસ્થાનું મહત્વ અને નારી સન્માન જળવાવું જોઈએ. હું દેશવાસીઓને ભરોસો અપાવવા માંગુ છું કે, કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. કાયદો પોતાની પૂરી શક્તિથી એક પછી એક પગલું ભરશે. મણિપુરમાં દીકરીઓ સાથે જે થયું છે તેના આરોપીને ક્યારેય માફ કરવામાં નહીં આવે.’