Surat Traffic Police| અમદાવાદમાં બુધવારની રાતે બનેલી અકસ્માતની ગોઝારી ઘટના બાદ એક્શનમાં આવેલી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ગતરોજ કોમ્બિંગ હાથધરી નંબર પ્લેટ વિનાના વાહનો, ડાર્ક ફિલ્મ, ત્રણ સવારી, ચાલું વાહને મોબાઈલ પર વાત કરવી સહિત રોંગ સાઈડમાં વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કડકાઈભર્યું વર્તન શરૂ કરવામાં આવ્યુ છે. એક જ રાતમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રિજિયનમાં ડાર્ક ફિલ્મના 243, નંબર પ્લેટ વિનાના 719, વાહનો પર ત્રણ સવારીના 344, રોંગ સાઈડ પર વાહન હંકારવાના 6 અને ચાલું વાહને મોબાઈલ પર વાત કરતા 52 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં વાહન ચાલકો પાસેથી 3.75 લાખના દંડની વસુલાત કરી સપાટો બોલાવવામાં આવ્યો છે.
અમદાવાદની ઘટનાથી શીખ લઈને સુરત પોલીસ હરકતમાં આવી
ઇસ્કોન બ્રિજ ઉપર બનેલી અકસ્માતની ગોઝારી ઘટનામાં નવ લોકોના કરુણ મોત નિપજ્યા છે. ભયાનક અકસ્માતની આ ઘટના બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક જ રાતમાં સપાટો બોલાવી કુલ 1364 વાહનો સામે કાર્યવાહી કરી અંદાજીત રૂપિયા 3.75 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાણાનીના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રિજિયન -1માં 64 જેટલા વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ, 380 વાહન ચાલકો સામે નંબર પ્લેટ વગરના વાહન ચલાવવા, 75 વાહન ચાલકો સામે ત્રણ સવારી, જ્યારે 3 વાહન ચાલકો સામે રોંગ સાઈડ અને 15 વાહન ચાલકો સામે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા બદલ દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બેજવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ
સુરતના રિજિયન-2માં 44 વાહનો સામે ડાર્ક ફિલ્મના, 184 વાહન ચાલકો સામે વિના નંબર પ્લેટ અને 131 વાહન ચાલકો સામે ત્રણ સવારી સહિત રોંગ સાઈડમાં 1 અને ચાલું વાહને મોબાઈલ પર વાત કરતા 13 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય શહેરના રિજિયન-3માં 86 વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ, 91 વાહન ચાલકો સામે વગર નંબર પ્લેટ, 103 વાહન ચાલકો સામે ત્રણ સવારી, 1 વાહન ચાલક સામે રોંગ સાઈડ સહિત 14 વાહન ચાલકો સામે ચાલું વાહને મોબાઈલ પર વાત કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રિજિયન-4માં 49 વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ, 64 વાહન ચાલકો સામે વગર નંબર પ્લેટે વાહન હંકારવા, 35 વાહન ચાલકો સામે ત્રણ સવારી જ્યારે 1 વાહન ચાલક સામે રોંગ સાઈડ તથા 10 વાહન ચાલકો વિરુદ્ધ ચાલું વાહને વાત કરવા બદલ દંડ ઉપરાંતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નરના આદેશ બાદ કરાઈ કાર્યવાહી
સુરત શહેરના કુલ ચાર રિજિયનમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 3.75 લાખનો દંડ વસૂલી 1364 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલ ગોઝારા અકસ્માતમાં નવ માસૂમ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જે ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ હાલ એક્શનમાં આવી ગઈ છે. જ્યારે પોલીસ કમિશ્નરના આદેશ બાદ ટ્રાફિક નિયમોનું ભંગ કરતા લોકો વિરુદ્ધ સપાટો બોલાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.