Ahmedabad| એસજી હાઈવેની સમાંતર આવેલા કોર્પોરેટ રોડ પરના બિઝનેસ પાર્કના ત્રીજા માળેથી પડેલી યુવતીનું મોત નીપજ્યું છે. પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પાસે બનેલી ઘટનામાં યુવતીની હત્યા કરાઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે, તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે, પોલીસ દ્વારા આસપાસમાં હાજર લોકોની તથા યુવતીની જે જગ્યાએથી લાશ મળી છે ત્યાં તપાસ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હોવાનું બહાર આવી રહ્યું છે. તેથી હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે.
મૃતક યુવતીની પ્રાથમિક ઓળખ થઈ ગઈ છે. આ યુવતી જ્યાં ઘટના બની છે, ત્યાંની જ એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. હવે યુવતી જે કંપનીમાં નોકરી કરતી હતી તે જ સ્થળ પરથી તેની લાશ મળી છે ત્યારે આ અંગે પોલીસ દ્વારા પૂછપરછમાં યુવતીની વધુ ઓળખ સહિતની વિગતો એકઠી કરવામાં આવશે.
યુવતી સવારે ઓફિસ પહોંચી હતી ત્યારે કામના સ્થળ પર કેટલાક લોકો હાજર હતા. મૃતક યુવતી ક્યાં રહેતી હતી, તે સહિતની તપાસ પોલીસ દ્વારા આરંભી દેવામાં આવી છે. આ સિવાય યુવતી પર કોઈના દ્વારા દબાણ કરવામાં આવતું હતું કે કેમ તેને લઈને પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં ઓફિસના કર્મચારીઓ સિવાય યુવતીના મિત્ર વર્તુળ તથા પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે.
યુવતીએ આત્મહત્યા કરી કે તેની થઇ છે હત્યા?
આ કેસમાં યુવતીએ આત્મહત્યા કરી છે કે કોઈકે તેની હત્યા કરી છે. તે અંગે પોલીસની આગળની તપાસમાં ખુલાસા થઈ શકે છે. યુવતી જે સ્થળ પર નોકરી કરતી હતી, ત્યાંથી જ તેની લાશ મળી આવી છે. આ યુવતી અમદાવાદની છે કે બહારથી નોકરી કાજે રહેતી હતી તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
શું યુવતીને કોઈના દ્વારા ડરાવવામાં આવી રહી હતી કે તેના પર ખોટું દબાણ કરવામાં આવતું હતું. તે તમામ બાબતોની તપાસ કરીને પોલીસ કેસના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરશે.