વિદેશી ધરા પર સેટલ્ડ થવાના અભરખા ન રાખતા, અપહરણકારોનું કનેક્શન યુકે સુધી પણ

ગુજરાતી યુવકનું લંડનમાં અપહરણ કરી નડિયાદમાં પિતા પાસેથી ખંડણીની માંગણી

by Dhwani Modi
Gujarati boy kidnapped in UK, News Inside

Gujarati are not safe| ગુજરાતીઓને વિદેશમાં સેટ થવાના સૌથી વધુ અભરખા હોય છે. પરંતુ એક હકીકત એ પણ છે કે, વિદેશની ધરતી પર સૌથી વધુ ગુજરાતીઓ જ નિશાન પર હોય છે. અમેરિકા, કેનેડા હોય કે પછી આફ્રિકા, ગુજરાતીઓ સાથે લૂંટ, હત્યાના બનાવો બનતા હોય તે બાબત સામે આવતી રહે છે. ત્યારે હવે યુકે પણ ગુજરાતીઓ માટે સુરક્ષિત રહ્યું નથી. યુકેના લંડનમાં એક ગુજરાતી યુવકનું અપહરણ કરીને નડિયાદમાં રહેતા તેના પિતા પાસેથી ખંડણી વસૂલાઈ હતી. ત્યારે આ કિસ્સો ખતરાની લાલ બત્તી સમાન છે.

આટલી બધી ઘટના બાદ પણ જો તમને યુકે જવાનો મોહ હોય તો ફરીથી વિચાર કરજો. નડિયાદના યુવકનું લંડનમાં અપહરણ કરીને તેના પિતા પાસેથી 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે, આ ખંડણી માંગનારા પણ ગુજરાતીઓ જ હતા.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, ગત 2 મેના રોજ આણંદમાં રહેતા રાહુલ પટેલ, વિશાલ વાઘેલા અને ધ્રુવ પટેલે નડિયાદમાં રહેતા સતીષભાઈ પારેખનો સંપર્ક કર્યો હતો. તેઓેએ સતીષભાઈને ધમકી આપી હતી કે, અમારા માણસોએ લંડનમાં તમારા પુત્ર દેવ પારેખનું અપહરણ કર્યુઁ છે. જો તમારો દીકરો જીવતો જોઈતો હોય તો અમને 85 લાખ રૂપિયા આપી દેજો. નહિતર તમારા દીકરાને જાનથી મારી નાખીશુ.

નડિયાદના અક્ષર ટાઉનશીપમાં રહેતા સતીષભાઈ પારેખ અમદાવાદમાં રેલવેમાં નોકરી કરે છે. તેમનો દીકરો દેવ પારેખ વર્ષ 2020માં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો અને વેમ્બલીમાં રહેતો હતો. આ ફોન આવતા જ સતીષભાઈ નડિયાદ દોડી ગયા હતા. તેઓ અપહરણકારોએ આપેલા નંબર પર સંપર્ક કરી તેમને મળવા પહોંચ્યા હતા. જ્યાં ઉત્તરસંડા પાસેના ફાર્મહાઉસમાં મીટિંગ ગોઠવાઈ હતી. જ્યાં અપહરણકારોએ લંડનમાં રહેતા દેવ સાથે વાત કરાવી હતી.

પોતાના વ્હાલસોયા દીકરાનો અવાજ સાંભળીને પિતા સતીષભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દેવે ફોન પર કહ્યું હતું કે, ‘પપ્પા મને છોડાવો. આ લોકો મને મારે છે.’ આમ, વીડિયો કોલ પર દીકરાને જોઈને પિતા રીતસરના ડરી ગયા હતા. તેઓએ લંડનમાં દીકરાને છોડી દેવા આજીજી કરી હતી. તેઓએ અપહરણકારોની માંગણી સ્વીકારી હતી. તેઓએ અપહરણકર્તાઓ 15 લાખ રોકડા અને 28 તોલા સોનુ આપ્યુ હતું. પરંતુ આટલેથી ન માનતા અપહરણકારોએ સતીષભાઈ પાસેથી બાકીના રૂપિયાનો ચેક અને નોટરી કરાવી હતી. જે બાદ રૂપિયા મળતા જ લંડનમાં દેવને છોડી મુકાયો હતો.

આ બાદ દેવ પારેખે લંડનમાં અપહરણકારો સામે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ પિતા સતીષભાઈએ નડિયાદમાં પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ કલાસી પોલીસ મથકમાં રાહુલ પટેલ, વિશાલ વાઘેલા, અને ધ્રુવ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

Related Posts