Ahmedabad| બુધવારની રાતે ઈસ્કોન બ્રિજ પરના ગોઝારા અકસ્માતમાં નબીરાએ 9 નિર્દોષોના જીવ લીધાની ઘટના હજી તાજી છે, ત્યાં અમદાવાદનો રસ્તો વધુ એક અકસ્માતનો સાક્ષી બન્યો છે. હવે માતાપિતાએ પોતાના બાળકોને ગાડીઓ આપતા પહેલા સો વાર વિચાર કરવા જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, વધુ એક નબીરાએ દારૂ પીને મણિનગર વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો. કારચાલક પૂરઝડપે આવીને ઝાડના થડ સાથે અથડાયો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તેને પકડીને તરત જ પોલીસના હવાલે કર્યો હતો.
મળતી વિગતો મુજબ, મણિનગર વિસ્તારમાં રાજકમલ બેકરી પાસે મોડી રાતે આ ઘટના બની હતી. બિયર પીને કાર હંકારતા શખ્સની કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો. કારચાલકે પૂર ઝડપે કાર હંકારતા ઝાડના થડ સાથે ગાડી ટકરાઈ હતી અને કાર પલ્ટી મારી ગઈ હતી. જોકે, વૃક્ષને કારણે બાંકડા ઉપર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સ્થાનિકોએ 100 નંબર ડાયલ કરી કાર ચાલકને પોલીસને હવાલે કર્યો હતો. મણિનગર વિસ્તારમાં નશાની હાલતમાં કાર એકસીડન્ટ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, નબીરાની કારમાંથી બિયરની બોટલો પણ મળી હતી. કાર ચલાવનાર મુખ્ય આરોપી કેદાર દવે સામે ઇસનપુર ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઇ છે. કારમાં બેઠેલા અન્ય ત્રણ યુવકો વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ઋત્વિક માંડલિયા, સ્વરાજ યાદવ અને પ્રીત સોની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અકસ્માત સમયે ત્રણેય યુવકો દારૂના નશામાં ચૂર હતા. કાર ચાલક યુવક વિરૂદ્ધ અલગ થી ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ કરવામાં આવ્યો છે. અકસ્માત સમયે કેદાર દવે નામનો યુવક કાર ચલાવતો હતો.
કેદાર દવે વિરૂદ્ધ કે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કેદાર દવે પણ નશાની હાલતમાં હોવાથી તેના વિરૂદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધાયો છે. તો કારમાં સવાર અન્ય ત્રણ યુવકો સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. મુખ્ય આરોપી કારચાલક કેદાર દવે માત્ર 25 વર્ષની ઉંમરનો છે.
એક બાજુ ગત મોદી રાતે નબીરાઓએ ઝાડ સાથે કર ટકરાવી તો બીજી તરફ, અમદાવાદમાં આજે વહેલી સવારે વધુ એક અકસ્માત થયો હતો. વહેલી સવારે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને કારે અડફેટમાં લીધો હતો. ઉસ્માનપુરા નજીક વહેલી સવારે આ બનાવ બન્યો હતો. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.
નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોનો જીવ લેનારા તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને આજે કોર્ટમાં રજૂ કરાશે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના સોમવાર સાજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.