Ahmedabad| આજે સવારે શહેરની એક પોળમાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. ટંકશાળ વિસ્તારની પોળમાં આવેલા ત્રણ માળના મકાનનો ભાગ તૂટી પડવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગડનો કાફલો સમયસર ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનામાં ફાયર બ્રિગેડ દ્વારા સફળ રેસ્ક્યૂ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં 22મી તારીખે ભારે વરસાદી માહોલ જામ્યો હતો અને આ દરમિયાન મકાનને વધારે નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ટંકશાળમાં રાજા મહેતાની પોળમાં ત્રણ માળના મકાનનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટના બની છે. વર્ષો જૂના મકાનનો ભાગ તૂટી પડતા મકાનનો કઠેડો તૂટી પડવાની ઘટના બની છે.
આ મકાનમાં રહેતા કેટલાક લોકોનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. આ સાથે કોઈ જાનહાનીના સમાચાર નથી. સવારે બનેલી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમે ઘટના સ્થળ પર પહોંચીને જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
મકાન જૂનું અને જર્જરિત હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનો ભાગ ઉતારી લેવાની માહિતી આપવામાં આવી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. સામાન્ય રીતે AMC દ્વારા ભારે વરસાદ કે ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જર્જરિત કે વર્ષો જૂના મકાનની સ્થિતિને જોઈને તેને ઉતારી લેવાની કે સમારકામ કરાવવા માટેની નોટિસ આપવામાં આવતી હોય છે, જેથી કરીને મકાન તૂટી પડવાની ઘટનામાં જાનહાનીની ઘટના સર્જાય નહીં.