Gujarat| અનેક મોત, અને ખતરનાક રુટ હોવા છતા ગુજરાતીઓ ગેરકાયદેસર અમેરિકા જવાનું સપનુ છોડતા નથી. આજે પણ અનેક ગુજરાતીઓ એવા છે જેઓ આ ગેરમાર્ગે નીકળી પડતા હોય છે. જ્યારે તેમનો પરિવાર સાથે સંપર્ક કપાય છે, ત્યારે અહીં ગુજરાતમાં તેની જાણ થાય છે. એજન્ટની માયાજાળમાં ફસાઈને ગુજરાતીઓને અમેરિકાનો મોહ લાગે છે. ત્યારે ડિસેમ્બરમાં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા અને ગુમ થયેલા 9 લોકો મામલે ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ મુદ્દે મહેસાણા પોલીસે વધુ એક એજન્ટની ધરપકડ કરી છે.
ડિસેમ્બર 2022માં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા મેહસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ 9 લોકો ગુમ થયા છે. ત્યારે આ કેસમાં હવે મહેસાણા SOG અને CID ક્રાઈમ એક્ટિવ બન્યું છે. ગુમ યુવકોની ભાળ મેળવવા માટે ભારત દ્વારા ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક કરાયો છે.
આ કેસમાં SOG ટીમે મહેસાણાના શૈલેષ પટેલ નામના વધુ એક એજન્ટની ધરપકડ કરી છે. આ પહેલા ધરપકડ કરાયેલ એજન્ટ દિવ્યેશ પટેલ પાંચ દિવસના રિમાન્ડ પર હતો. પોલીસ પૂછપરછમાં તેણે કહ્યુ હતું કે, તમામ લોકો ફ્રાન્સની સેન્ટ માર્ટિસ જેલમાં કેદ છે. હાલ આ કેસમાં અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડીની કોઈ ભાળ નથી, પોલીસ દ્વારા તેની શોધ ચાલી રહી છે.
ફ્રાન્સની જેલમાં કેટલા ગુજરાતીઓ છે તેનો અહેવાલ માંગ્યો
અમેરિકા જવા નીકળેલા 9 વ્યક્તિ ગુમ થયા મામલે વધુ એક એજન્ટની ધરપકડ કરાઈ છે. આ કેસમાં એજન્ટ શૈલેષ જયંતીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રિમાન્ડ પર રહેલા દિવ્યેશ પટેલ ઉર્ફે જોનીએ પોલીસને તમામ 9 લોકો ફ્રાન્સમાં પકડાઈ ગયા હોવાની વાત કબૂલી છે. 9 ગુજરાતી યુવકો ફ્રાન્સની સેન્ટ માર્ટિસ જેલમાં કેદ હોવાની વાત દિવ્યેશ પટેલે કરી છે. ત્યારે મહેસાણા SOG દ્વારા CID ક્રાઇમ મારફતે ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો હતો. સેન્ટ માર્ટિસ જેલ ફ્રાન્સની હદમાં આવતી હોવાથી ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો છે. જેમાં પાછલા કેટલાક મહિનાઓમાં ભારતના કોઈ નાગરિકોને પકડવા માં આવ્યા છે કે નહીં તેનો રિપોર્ટ માંગ્યો છે.
અમેરિકાથી એજન્ટ વિજય મોન્ટુ એક્ટિવ
મહેસાણાના હેડૂવાથી અમેરિકા નીકળેલ યુવક સહિત 9 ઈસમો ગુમ થયાનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે. શૈલેષ પટેલ નામના બીજા એજન્ટની SOG પોલીસે ધરપકડ કરી છે. આરોપી દિવ્યેશ પટેલ અને શૈલેષ પટેલ 5-5 દિવસના રિમાન્ડ પર છે. તેમજ 13 વર્ષથી અમેરિકા રહેતા એજન્ટ વિજય મોન્ટુના મૂળ સુધી પહોંચવા SOG પોલીસના પ્રયત્નો ચાલુ છે. વિજય ઉર્ફે મોન્ટુના માતા-પિતાનું પણ ઓન કેમેરા નિવેદન લેવાયું છે. વિજય ઉર્ફે મોન્ટુના માતા-પિતા આણંદના નાપાડ તળપદા ખાતે રહે છે. SOG પોલીસ દ્વારા પેટલાદનું આસી, આણંદનું નાપાડ તળપદા, નડિયાદ અને અમદાવાદના રાણીપ ખાતે તપાસ કરાઈ છે. આજે પણ SOG પોલીસ શૈલેષ પટેલ અને દિવ્યેશ પટેલને લઈને અમદાવાદમાં તપાસ કરી રહી છે.
આ કેસમાં અસંખ્ય એજન્ટ છે. જેઓ વિવિધ રુટમાં વિવિધ કડી તરીકે કામ કરે છે. પકડાયેલા એજન્ટ દિવ્યેશ પટેલના પિતા મનોજ પટેલે ખુલાસો કર્યો કે, મારો દીકરો જેલમાં જતા પહેલા અમેરિકામાં રહેતા એજન્ટ વિજય પટેલ વિરુદ્ધ પુરાવા આપશે. આ તમામ 9 યુવકોને પરત લાવવાની કામગીરી મોન્ટુ પટેલના માણસો દ્વારા કરવામાં આવી રહી છે.