Iscon bridge accident| ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ કાયદાકીય સંકજો વધુ મજબૂત કરવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. પોલીસ દ્વારા તથ્ય પટેલ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તેવામાં તથ્ય પટેલ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તથ્ય વિરુદ્ધ પોલીસે પુરાવાઓ એકત્ર કર્યા છે. પોલીસને પાક્કા પુરાવાઓ એકત્ર કરવામાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ આવતીકાલ સુધીમાં ચાર્જશીટ ફાઈલ કરી શકે છે. તથ્ય વિરુદ્ધ પોલીસે એકઠા કરેલા પુરાવાઓમાં સૌથી મોટો પુરાવો અકસ્માત સમયે કારની ઝડપ છે.
પોલીસે તથ્ય વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા
FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 141.27 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હોવાનું અને કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 17 સાક્ષીઓનું નિવેદન લેવાયુ છે. કોલ ડિટેઈલમાં પણ તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત DNA રિપોર્ટમાં સામે આવ્યું છે કે, અકસ્માત સમયે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો. પોલીસે FSLએ કરેલા ઘટનાના રિકન્સ્ટ્રકશનનાં પુરાવા પણ ચાર્જશીટમાં મુક્યા છે. સાથે જ સિંધુભવન રોડ પર અને શીલજ પાસે તથ્યએ સર્જેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તથ્યએ અનેક વખત સ્પીડ લિમિટના નિયમોનો કર્યો છે ભંગ
પોલીસ તપાસમાં આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ અનેક ચોંકવાનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ અનેક વખત સ્પીડ લિમિટના નિયમો ભંગ કર્યા છે. ગોતાના કુખ્યાત વ્યક્તિ પ્રજ્ઞેશ પટેલનો દિકરો તથ્ય હંમેશા કાર સ્પીડમાં જ ચલાવતો હતો. તેણે આ એક જ મહિનામાં 25 વખત સ્પીડ લિમિટના નિયમો તોડ્યા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, 25 વખત નિયમ તોડ્યા છતાં તેના દ્વારા એક પણ વખત ચલાન અપાયું ન હતું. આ ઉપરાંત તથ્ય પટેલે એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યા હતા. ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી તથ્ય પટેલ એસ.જી હાઈવે, સિંધુભવન રોડ, એસ.પી રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં કાર હંકારતો હતો.
પોલીસે UKથી જેગુઆર કારના રિપોર્ટ મંગાવાયા
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મૃત્યુ કેસમાં જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ UKથી મંગાવાયો છે. કંપનીની UK સ્થિત હેડક્વાર્ટરમાંથી માહિતી મંગાવાઈ છે. કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ વગેરે બાબતોની માહિતી મંગાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, અકસ્માત સમયે તથ્ય પટેલે જેગુઆર કારને 140થી વધુ સ્પીડે દોડાવી હતી અને 9 લોકોના જીવ લીધા હતા.
તથ્યને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં
નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે ગઈકાલે મિરઝાપુર કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જેને લઇને તથ્ય પટેલને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. તથ્ય પટેલને કેદી નંબર – 8683 નંબર ફાળવ્યો છે. તો બીજી તરફ, તથ્યના પિતા અને કુખ્યાત પ્રજ્ઞેશ પટેલને પણ જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ જેલમાં કેદી નંબર – 8626થી ઓળખવામાં આવશે.