IND Vs. PAK match| વનડે વિશ્વ કપમાં કટ્ટર હરિફ એવા ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં 15 ઓક્ટોબરના રોજ રમાનારી મેચ રિશિડ્યુલ થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ રોમાંચક મેચની તારીખ બદલવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. મહત્વની વાત એ છે કે 15 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ભવ્ય રાસ ગરબાનું આયોજન થાય છે. આવામાં સુરક્ષા એજન્સીઓએ BCCIને કાર્યક્રમમાં ફેરફાર કરવાની સલાહ આપી છે.
જો અમદાવાદમાં રમાનારી મેચની તારીખ બદલાય તો એવા ફેન્સ માટે મોટો ઝટકો હશે કે જેમણે ફ્લાઈટ અને હોટલ રૂમ બુકિંગ પહેલેથી કરાવી રાખ્યા છે. ભારત-પાકિસ્તાનની બ્લોકબસ્ટર મેચ જોવા માટે દુનિયાભરથી ફેન્સ અમદાવાદ પહોંચશે. આ દરમિયાન બ્રોડકાસ્ટર્સની પણ ફાયદો થઈ જાય છે કારણ કે ટીઆરપી ઊંચી જાય છે.
નવરાત્રીમાં સુરક્ષા એક મોટો સવાલ છે
BCCIના એક ટોચના અધિકારીએ પોતાનું નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, અમને સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન જેવી હાઈ પ્રોફાઈલ મેચ માટે લાખો લોકો અમદાવાદ પહોંચવાના છે. આવામાં નવરાત્રીના કારણે તેની તારીખ આગળ વધારવામાં આવી શકે છે. અમે અમારી પાસે રહેલા તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ અને જલ્દી નિર્ણય લેવામાં આવશે.
અન્ય મેચ ઉપર પણ થઇ શકે છે અસર
ગત મહિનાના અંતમાં જ્યારે ICC દ્વારા વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત કરી તો એક લાખની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ચાર મોટી મેચની મેજબાની મળી છે. જેમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશ્વ કપ ટુર્નામેન્ટનો ઓપનિંગ મુકાબલો, ભારત Vs. પાકિસ્તાન, ઈંગ્લેન્ડ Vs. ઓસ્ટ્રેલિયા, અને ફાઈનલ મેચ સામેલ છે. ભારતના 10 શહેરોમાં થનારા વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ મુંબઈ અને કોલકત્તામાં રમાશે.