Tathya Patel Accident| અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોનો હત્યારો નબીરો તથ્ય પટેલ હાલમાં જેલના સળિયા ગણી રહ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરી રહી છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.
તથ્ય પટેલનું લાયસન્સ થશે રદ
નબીરો તથ્ય પટેલ પૂરપાટ ઝડપે કાર ચલાવવાનો શોખીન હોવાનું અને અગાઉ પણ અનેક વખત અકસ્માત સર્જી ચૂકેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. તે બાદ હવે RTO પણ એક્શનમાં આવ્યું છે. અમદાવાદ RTOએ તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ RTO દ્વારા ટ્રાફિક પોલીસ પાસે ઓન પેપર તમામ વિગતો માંગવામાં આવી છે. વિગતો મળ્યા પછી RTO હીયરીંગ કરીને તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરશે.
તથ્યને જીવ લેનારી જેગુઆર કાર મળી હતી ગિફ્ટમાં
તથ્યએ જે કારથી અકસ્માત સર્જ્યો હતો તે જેગુઆર કારને લઈને પણ મોટો ખુલાસો સામે આવ્યો છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલને જેગુઆર કાર ગિફ્ટમાં મળી હતી. પિતા પ્રજ્ઞેશ પટેલે દીકરાને આ કાર ગિફ્ટમાં આપી હતી. ભાગીદારના નામે ગાડી લઈને પિતાએ દીકરાને ગાડી ગિફ્ટમાં આપી હતી. 9 વ્યક્તિનો ભોગ લેનારને જેગુઆર ગાડી દોઢ વર્ષ પહેલા ગિફ્ટમાં મળી હતી. દોઢ વર્ષમાં આ જેગુઆર કારથી તથ્ય પટેલ 3 વખત અકસ્માત સર્જી ચૂક્યો છે.
અત્યાર સુધીમાં તથ્ય સામે કેટલી ફરિયાદ નોંધાઈ?
19 જુલાઈની મોડી રાત્રે એસજી હાઈવે પર ફૂલ સ્પીડમાં કાર ચલાવી ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનાર તથ્ય સામે અત્યાર સુધીમાં 3 ફરિયાદ નોંધાઈ ગઈ છે. જે ત્રણેય ફરિયાદ અકસ્માતના બનાવની છે. એક ફરિયાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત, બીજી સિંધુભવન રોડ અકસ્માત અને ત્રીજી ફરિયાદ આજે નોંધાઈ છે. ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. તથ્યએ 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી. નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલે વાંસજડા ગામની સીમ પાસે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી. આ મામલે સાંતેજ પોલીસે તથ્ય પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.