Ahmedabad| અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે તથ્ય પટેલે 9 લોકોને કચડી નાખ્યા તે ઘટના બાદ શહેરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાત્રે 10થી 2ના ગાળામાં શહેરના 100થી વધુ સ્પોટ પર વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા પાછળ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકની ગતિવિધિ પર નજર રાખવા માટે જે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે તે બંધ અવસ્થામાં હોવા મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. ભૂતકાળમાં શહેરના અંધ બનેલા કેમેરા અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રજૂઆતો થઇ હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવા મુદ્દે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. હવે આ બંધ રહેલા CCTV અંગે જવાબદાર કોણ તે અંગે પણ વિવિધ મુદ્દા ઉઠી રહ્યા છે.
શહેરના અગત્ય ગણાતા વિસ્તારોમાં જ CCTV કેમેરા બંધ હોવા અંગે પોલીસ દ્વારા પત્રો લખીને આ અંગે જાણ કરવામાં આવી છે. આમ છતાં પગલા ભરવામાં ન આવ્યા હોવાના મુદ્દાએ જોર પકડ્યું છે. પોલીસ દ્વારા મોકલવામાં આવેલા પત્રો પણ સામે આવી રહ્યા છે કે, જેમાં બંધ CCTV કેમેરા અંગે રજૂઆતો કરવામાં આવી છે.
ગત 7 જૂન, 2023ના રોજ એસજી-1 ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કેટલાક મહત્વના અને VVIP મૂવમેન્ટ રહેતી હોય તે વિસ્તારના કેમેરા બંધ હોવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, નિરમા યુનિવર્સિટીથી થલતેજ અંડરપાસ સુધીના સરખેજ-ગાંધીનગર હાઈવે (SG Highway) પરથી દિવસ-રાત અનેક વાહનો પસાર થતા હોય છે, અને તેની મૂવમેન્ટ પર નજર રાખવી જરુરી છે. આ પત્ર નેશનલ હાઈવે ડિવીઝનને ટાંકીને લખવામાં આવ્યો છે.
આ સિવાય પત્રમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું છે કે, આ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના મત વિસ્તાર તથા તેમના રહેઠાણ પણ આવેલા હોવાથી તેમની મુલાકાત દરમિયાન ટ્રાફિકની મૂવમેન્ટ પર નજર રાખવી જરુરી હોય છે. આ સિવાય ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સહિતના જજ પણ આ માર્ગ પરથી પસાર થતા હોવાથી આ માર્ગ પર નજર રાખવામાં આવે છે. જેથી સીસીટીવી ચાલુ કરાવવા જરુરી છે આ વિષય સાથે નેશલ હાઈવે ડિવિઝનને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
એસજી-1 ટ્રાફિક પોલીસે લખેલા પત્રમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, થલતેજ અંડરપાસથી વૈષ્ણોદેવી સુધીના વિસ્તારમાં કોઈ CCTV ન હોવાના કારણે ઘણાં ગુના અનડીટેક્ટ રહેલા છે. આ સિવાય થલતેજ અંડરપાસ બાદ ગોતા બ્રિજ પછીનો જે વિશાળ બ્રિજ છે તેના પર સોલા સિવિલ હોસ્પિટલ પાસે બ્રિજ પર જે કેમેરા લગાવવામાં આવ્યા છે તે પણ કોઈ કારણોથી બંધ હોવાની રજૂઆત લગભગ 2 મહિના જૂના પત્રમાં કરવામાં આવી હતી.
ટ્રાફિક DCP (પૂર્વ) સફીન હસન દ્વારા પણ CCTV બંધ હોવાની બાબતે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે 26 મે, 2023ના રોજ લખેલા પત્રમાં સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડને લખેલા પત્રમાં ઈ-ચલણ જનરેટ ન થતા હોવા મુદ્દે રજૂઆત કરી હતી. આ ડાઉન જંક્શન ચાલુ થાય તે અંગે પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. વન નેશનલ વન ચલણ અંતર્ગત DCP સફીન હસન દ્વારા આ પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જેતે સમયે 49માંથી 28 જંક્શન પરથી જ ઈ-ચલણ જનરેટ થતા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
હવે આ મામલે જવાબદાર કોણ છે? તે સવાલના જવાબ આગામી સમયમાં મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરની સુરક્ષા અને હાઈવે પરથી પસાર થતા વાહનો પર નજર રાખવા માટે લગાવેલા બંધ કેમેરા માટે કોણ જવાબદાર છે? તે સવાલ અહીં ઉઠી રહ્યો છે. આ સિવાય જે પત્ર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લખવામાં આવ્યા છે, તેમાં આગળ શું થયું તે પણ જાણવું જરુરી છે.