Monsoon 2023| ગુજરાત માટે આગામી 24 કલાક ખુબ જ ભારે છે. ચોમાસાનો ચોથો રાઉન્ડ હવે શરુ થઇ ગયો છે. ગુજરાતમાં વરસાદ હજી ધડબડાટી બોલાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. ગઇકાલ રાતથી મેઘરાજા દક્ષિણ ગુજરાત પર કોપાયમાન થયા હોય તેવો માહોલ જામ્યો હતો. ત્યાર બાદ હવે મધ્ય ગુજરાતનો વારો છે. હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાવી જેતપુર તાલુકામાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે વસવા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. વસવા નદી પરની સંરક્ષણ દીવાલ પણ ધરાશયી થઈ ગઈ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ જવનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે પ્રતાપનગર અને સુસકાલ વચ્ચેના રેલવે ગરનાળામાં 14 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદથી છોટાઉદેપુરનું પાવી જેતપુર જળબંબાકાર બન્યું છે. અનરાધાર વરસાદથી સુસકાલ ગામ બેટમાં ફેરવાયું છે. પાણી ભરાતા ખેતરો અને રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. તો રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાનો ભય છે.
નર્મદાના કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેડિયાપાડા, સાગબારામાં ભારે વરસાદથી પાણીની આવક થઈ રહી છે. ડેમના 3 દરવાજા ખોલી 16,128 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી કાંઠાના 6 ગામના લોકોને તંત્રએ એલર્ટ કર્યા છે. નદીના પટમાં અવર-જવર ન કરવા અંગે લોકોને સૂચના અપાઈ છે.
દક્ષિણ ગુજરાત પાણીમાં ડૂબ્યું
મોડી રાતથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં વરસ્યો હતો. નવસારી જિલ્લાની નદીઓ ભારે વરસાદી પાણીથી ગાંડીતૂર બની છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે. તો અંબિકા નદી ભયજનક સપાટીથી ત્રણ ફૂટ દૂર છે. કાવેરી નદી ભયજનક સપાટીથી છ ફૂટ દૂર છે. પાણી ભરાઈ જતા નવસારી શહેરના નીચાણવાણા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. નવસારી શહેરમાં રાત્રી દરમિયાન વરસેલા વરસાદના પાણી ઉતર્યા બાદ પૂરનું સંકટ તોળાઈ રહ્યુ છે. જિલ્લાનું વહીવટી તંત્ર આ આકાશી આફતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે.