સુરત એરપોર્ટ પર દાણચોરીની ઉલ્ટી ગંગા વહી, કરોડોના હીરા સાથે એક યુવકની ધરપકડ

સુરત એરપોર્ટ બન્યું દાણચોરીનું જંકશન, કરોડો રૂપિયાની દાણચોરી આવી સામે

by Dhwani Modi
Diamond smuggling at Surat airport, News Inside

Diamond smuggling। સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં રહ્યું છે કારણ કે, શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સતત સોનાની દાણચોરી થતી હોવાની ફરિયાદો સાથે અનેક લોકો પકડાયા છે. અત્યાર સુધીમાં કસ્ટમ વિભાગે કરોડો રૂપિયાનું સોનું ઝડપી પાડ્યું છે પરંતુ આ વખતે શારજાહથી સુરત આવનાર વ્યક્તિ નહીં પણ સુરતથી શારજાહ જતા એક વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી 1.10 કરોડના રફ હીરા મળી આવ્યા હતાં. જોકે આ યુવકની પૂછપરછ કરતા આ હીરા તે સુરતથી દુબઈ અને દુબઈથી આફ્રિકા લઈ જઈ રહ્યો હોવાની કબુલાત કરતા કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે.

1.10 કરોડના રફ હીરાની દાણચોરી
સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર શારજાહથી સુરતની ફ્લાઈટ શરૂ થતાની સાથે જ દાણચોરોને જાણે ખુલ્લો માર્ગ મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં સતત દાણચોરીનું સોનું પકડાવાની ઘટના સામે આવી રહી છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું સોનું ઝડપાઈ ચૂક્યું છે પણ આજની ઘટનાને સાંભળીને ભલભલા લોકો અને મોટા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે સુરતમાં સોનાની જગ્યા પર સુરતથી 1.10 કરોડના રફ હીરાની દાણચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે.

હીરા સુરતથી દુબઈ અને દુબઈથી આફ્રિકા મોકલવાનો ઘડ્યો હતો પ્લાન
સુરતના વરાછા વિસ્તારમાં રહેતો જીગ્નેશ મોરડીયા નામનો યુવક 4910 કેરેટના રફ હીરા લઈ સુરતથી શારજાહની ફ્લાઈટમાં જવા નીકળ્યો હતો. જો કે કસ્ટમ વિભાગે તેને એરપોર્ટ પર જ ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તે હીરા સુરતથી દુબઈ અને દુબઈથી આફ્રિકા મોકલવાનો હતો. જોકે અત્યાર સુધીમાં દેશ-દુનિયાના તમામ હીરા કટ અને પોલિશિંગ માટે સુરત આવતા હોય છે.

કસ્ટમ ચોરીનો ચોંકાવનારો કિસ્સો
ખાસ કરીને દુનિયામાંથી દુબઈ અને આફ્રિકાથી રફ હીરા કટ અને પોલિશિંગ માટે સુરત આવતા હોય છે. ત્યારે આ વખતે રફ હીરા સુરતથી શાહજાહ મારફતે દુબઈ મોકલવાને લઈને હવે કસ્ટમ વિભાગ પણ એક સમય માટે વિચારમાં પડી ગયું હતું. જો કે આ યુવકની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે કસ્ટમ ચોરીનો અજીબ કિસ્સો સામે આવતા અધિકારીઓએ પણ માથું ખંજવાળવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગને વધુ વિકસાવવા માટે ઘણાં સમય પહેલાં શારજાહથી સુરતની એક ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ જાણે દાણચોરો માટે આશિર્વાદરૂપ બની હોય તેવા કિસ્સા દર અઠવાડિયે સામે આવી રહ્યા છે.

Related Posts