Monsoon 2023| દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરુ કરી છે. હવામાન વિભાગે 24 કલાક માટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, જે પ્રમાણે સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ ખાબક્યો છે. આજના દિવસે પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે પૂર્ણા અને ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડ બાદ વિરામ લીધો હતો. પરંતુ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓમાં રાત્રે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. આ સિવાય ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નવસારી-સુરત કોસ્ટલ હાઈવે તથા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
ફક્ત 24 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સુરતના મહુવામાં 11.8 ઈંચ તોફાની વરસાદ ખાબક્યો છે. મોડી રાત્રે પણ કેટલાક ભાગોમાં થયેલા ભારે વરસાદના કારણે સ્થિતિ કપરી બની છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.
નવસારીમાં 24 કલાકમાં 10.6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગના સુબિરમાં 7.7 ઈંચ, સુરતના બારડોલીમાં 7.6 ઈંચ, નવસારીના જલાલપોરમાં 7.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કપરાડામાં 7.1 ઈંચ વરસાદ નોંધાયો છે.
હાલમાં પૂર્ણા નદી ભયનજક સપાટીની ઉપર વહી રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની ઘટના બની છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ તેના પાણી તેની ઉપર વહી રહ્યા છે. કલેક્ટર દ્વારા અગાઉથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગ્રામજનોને સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે.
આજના દિવસે વલસાડ, નવસારી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના દક્ષિણ ભાગના સુરત, ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.