Tathya Patel Accident| હજુ ઈસ્કોન બ્રિજ અકસ્માતને એક જ અઠવાડિયુ વિત્યુ છે. આ અકસ્માતમાં 9 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તથ્ય પટેલ કેસમાં ગઈકાલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 1684 પાનાની ચાર્જશીટમાં તથ્ય પટેલના કાળા કારનામા સામેલ કરવામાં આવ્યા છે. આવામાં સૌથી ચોંકાવનારી બાબત તો તથ્ય પટેલના માતાપિતાનું વલણ છે. જાણે કંઈ બન્યુ જ ન હોય તે રીતે તેઓ વર્તી રહ્યાં છે. જેલમાં પિતા-પુત્ર કંઈ જ બન્યુ ન હોય તેવો તેમનો રવૈયો છે.
એક નહિ, આવુ અનેકવાર જોવા મળ્યું કે તથ્ય પટેલ અને તેના પિતાને અકસ્માતનો કોઈ અફસોસ નથી. કેસની તપાસ દરમિયાન બંનેનું સામાન્ય વર્તન જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તો બીજી તરફ, તથ્યની માતા નીલમ પટેલ પણ તથ્યના કારનામાને સામાન્ય ગણાવી રહી છે. તો તથ્ય અને તેના પિતાના ચહેરા પર એક ટકાનો અફસોસ દેખાતો નથી.
તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ઘરપકડ કરવામાં આવી, ત્યારે તેમના ચહેરા પર સહેજ પણ પોલીસ એ કાયદાનો ડર ન હતો. સાબરમતી જેલમાં ગયા બાદ પણ તેમના ચહેરા પર કોઈ અફસોસ દેખાતો ન હતો. નવ લોકોનો જીવ લેનાર અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે તે વાતનું આ બાપ-દીકરાને ભાન સુદ્ધા નથી.
એકવાર તો તથ્યએ ગુસ્સામાં એવુ પણ કહી દીધું હતું કે, “અકસ્માત થયા બાદ હવે હું શું કરી શકું છું. થારનો અકસ્માત થયો હોવાથી લોકો રસ્તા પર એકઠા થયા હતા, તો તેમાં મારો શું વાંક?”
જો 20 વર્ષનો કોઈ જુવાનિયો આવી વાત કરતો હોય, અને પોતાની ભૂલ સુધારતો ન હોય તો આગામી જિંદગીમાં શું કરશે. તે એક મોટો પ્રશ્ન છે. અકસ્માતોની જેને આદત પડી ગઈ છે, તે તથ્યને જો ખુલ્લો પરવાનો આપી દેવાય તો તો કેટલાયની જિંદગી બરબાદ કરી શકે છે.
એક વાત તો પાક્કી છે કે, તથ્ય પટેલને અકસ્માત અને ઓવરસ્પીડની આદત પડી ગઈ છે. સાથે જ તેના ધનાઢ્ય માતા-પિતા પણ આ વાતને સામાન્ય ગણે છે. તો પૈસાનો પાવર અને નશો તેમના માથે ચઢી ગયો છે, તેથી માતાપિતાને છોકરાનું આ કૃત્ય દેખાતુ નથી.