Ambaji| ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉષા બ્રેકર્સ દ્વારા અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ માટે રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની મેઈન્ટેનન્સની કામગીરીને લઈને 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. 6 ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ થશે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પગથિયા ચડીને માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરી શકશે.
દરરોજ દર્શનાર્થે આવે છે હજારો ભક્તો
દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનનો લાભ લેતા હોય છે. ભક્તો અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે જતા હોય છે. સુપ્રસિદ્ધ અંબાજી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે.
ઉષા બ્રેકર્સે 4 દિવસ રોપ-વે સુવિધા બંધ કરવાનો લીધો નિર્ણય
આ રોપ-વેનું વર્ષભરમાં સમયસર મેઈન્ટેનન્સ પણ કરવામાં આવતુ હોય છે. જેથી રોપ-વેના મેઇન્ટેનન્સની કામગીરીને ધ્યાન રાખી રોપ-વે સુવિધા ટૂંક સમય માટે બંધ કરવામાં આવતી હોય છે. ત્યારે હવે ઉષા બ્રેકર્સ દ્વારા 4 દિવસ રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ જાન્યુઆરી માસમાં પણ બંધ કરાઈ હતી રોપ-વે સેવા
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાનમાં લઈને 9 જાન્યુઆરી, 2023થી લઇને 13 જાન્યુઆરી 2023 સુધી રોપ-વે સુવિધા બંધ કરાઈ હતી. જે બાદ 14મી જાન્યુઆરીથી રોપ-વે સર્વિસ રાબેતા મુજબ શરૂ કરાઈ હતી.