મૂંગા પ્રાણીઓની સુરક્ષા માટે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #NoMore50

#NoMore50 સાથે ભારતના નેતા અને અભિનેતાઓ પણ જોડાયા

by Dhwani Modi
#NoMore50, News Inside

#NoMore50। ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર #NoMore50 હેશટેગ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ હોય કે કરિશ્મા તન્ના, તથા મેનકા ગાંધી સહીત ઘણા રાજકારણીઓ પણ આ હેશટેગ સાથે પોસ્ટ કરી રહ્યા છે. પરંતુ તેનો અર્થ શું છે?

શું છે #NoMore50?
આપણે સૌ છેલ્લા થોડા દિવસોથી કેદારનાથ, અમરનાથ જેવા તીર્થસ્થળો પર ઘોડા અને ખચ્ચરની ખરાબ હાલતનો વીડિયો જોઈએ છીએ. આ સાથે જ ઘણા એવા કિસ્સાઓ પણ જોયા છે જેમાં શેરીમાં કે રસ્તા પર પણ પ્રાણીઓને બિનજરૂરી ત્રાસ આપવામાં આવે છે. એવામાં જો કોઈએ વીડિયો બનાવ્યો હોય તો આવા ત્રાસ આપનાર લોકો પકડાય છે. આ બધુ તો ઠીક પણ શું તમે જાણો છો કે આ ગુના માટે કેટલી સજા છે? આ ઉના માટે ફક્ત 50 રૂપિયાના દંડની સજા છે.

પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960
નોંધનીય કે, આ સજા માટે વધુમાં વધુ દંડ 50 રૂપિયા વસૂલવામાં આવે છે. વાત એમ છે કે, પ્રાણીઓ પ્રત્યે હિંસા રોકવા માટે વર્ષ 1960માં કાયદો લાવવામાં આવ્યો હતો. જેનું નામ છે, – પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960. તેની કલમ-11 મુજબ જો કોઈ વ્યક્તિ પ્રાણીઓ પર ક્રૂરતા આચરે છે તો તેને 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો દંડ અથવા ત્રણ મહિના સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ કાયદાને હવે 63 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે પરંતુ દંડની રકમ હજુ ફક્ત 50 રૂપિયા જ છે. આવી સ્થિતિમાં પ્રાણીઓ પર હિંસાના કેસમાં દંડની રકમ અને સજા વધારવા માટે દેશભરમાં #NoMore50 અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર #NoMore50 સાથે પોસ્ટ કરો
પ્રાણીઓ પર થતાં અત્યાચારની સજામાં ફેરફાર કરાવવા માટે હાલ સોશિયલ મીડિયા પર આ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. જણાવી દઈએ કે હાલ ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પીએમ મોદી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય પુરુષોત્તમ રૂપાલાને આ સંબંધમાં એક લાખ ઈ-મેઈલ મોકલવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર #NoMore50 સાથે પોસ્ટ કરવાનું પણ કહ્યું. જેથી સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ સંશોધન બિલ રજૂ કરી શકાય.

આ સાથે જ બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમે કહ્યું કે, બેજુબાન પ્રાણીઓ તેમના અધિકારો માટે અવાજ ઉઠાવી શકતા નથી. તેથી આપણે જ તેમના માટે ઊભા રહેવું પડશે. તો સાથે જ બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા તન્નાએ કહ્યું કે પ્રાણીઓ માટે બનેલા કાયદા હવે જૂના થઈ ગયા છે, તેથી તે કાયદાઓને નિવૃત્ત કરી નવા કાયદા લાગુ કરવાનો સમય આવી ગયો છે.

ચોમાસુ સત્રમાં કાયદામાં સુધારા માટેનું બિલ રજૂ કરવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, આ વખતે ફરીવાર સંસદના આ ચોમાસુ સત્રમાં પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ,1960 કાયદામાં સુધારા માટેનું બિલ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે 11 ઓગસ્ટ સુધી ચાલશે, જેથી પ્રાણીઓના અધિકારોનું રક્ષણ થઈ શકે. જેઓ મૂંગા પ્રાણીઓ પર ક્રૂરતા આચરે છે તેમના મનમાં ડર પેદા થવો જરૂરી છે. કારણ કે આજના યુગમાં જે ગુનાનો દંડ 50 રૂપિયા હોય એ ગુનો કરતા પહેલા કે પછી કોઈ વિચારતું પણ નથી. પરંતુ જો આ દંડ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે તો આશા છે કે લોકો આવા ગુના કરતા પહેલા ઘણીવાર વિચારશે.

આ વિચાર સાથે સોશિયલ મીડિયા પર #NoMore50 અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Related Posts