Dhoraji| રાજકોટના ધોરાજીમાં તાજીયા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ધોરાજીના રસુલપરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં 3થી 4 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહોરમના તાજીયાને ઉપાડતી વખતે લાગ્યો કરંટ
મળતી માહિતી અનુસાર, દેશભરમાં આજે મુસ્લીમ સમુદાય દ્વારા મહોરમનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજકોટના ધોરાજીથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ધોરાજીના રસુલપરામાં જુલૂસ દરમિયાન તાજીયા ઇલેક્ટ્રિક લાઈનને અડી જતાં 15 જેટલા લોકોને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી આ તમામને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
2 લોકોના મોત અને 3થી 4 લોકોની હાલત ગંભીર
આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. પંદર ઈજાગ્રસ્ત પૈકી 3થી 4 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં 2 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તેવામાં આ ઘટનાને પગલે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
ઝારખંડમાં પણ આજે સવારે ઘટી હતી દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, આજે ઝારખંડના બોકારોમાં પણ આવી જ દુર્ઘટના ઘટી હતી. શનિવારે સવારે લગભગ 6 વાગ્યે બોકારોના બર્મો વિસ્તારમાં લોકો તાજીયાનું જુલૂસ કાઢી રહ્યા હતા. તે દરમિયાન તાજીયા 11000 વોલ્ટના વાયરના સંપર્કમાં આવ્યા હતા. જેના કારણે તાજીયા જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 4 લોકો મોતને ભેટ્યા હતા. આ અકસ્માતના પગલે થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.