Dwarka| દ્વારકાધીશ મંદિરમાં હાલમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર ધજા ચઢાવવાની પરંપરા પહેલીવાર બદલાઈ છે. હવેથી જગત મંદિરમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવશે. ત્યારે આ નિર્ણયનો મંદિર પર ધજા ચઢાવતા અબોટી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જગત મંદિર પર ધજારોહણ કરતા અબોટી બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે ધજા આરોહણનો નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવ્યું છે, તેમજ તેનો વિરોધ પણ કર્યો. તેઓએ આ બાબતે દેવસ્થાન સમિતિને નોટિસ ફટકારી છે. તેમજ 3 દિવસમાં આ નિર્ણય અંગે ખુલાસો માંગ્યો છે. તે સાથે જ પોતાના સમુદાયના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટના દરવાજા ખખડાવવાની પણ ચીમકી આપી છે.
તાજેતરમાં લેવાયો હતો આ નિર્ણય
થોડા દિવસ પહેલા દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર દરરોજ છ ધજાજી ચઢાવવાનો નિર્ણય જિલ્લા કલેકટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો હતો. જે મુજબ, હવેથી દ્વારકાધીશના મંદિરના શિખર પર 6 ધજા ચઢશે. આ માટે ધજાની ફાળવણી ઓનલાઈન પોર્ટલથી કરવામાં આવશે. 1 નવેમ્બર, 2023થી આ પોર્ટલ શરૂ થશે. જે માટે માસિક ડ્રો દ્વારા ભક્તોને ધજા ફાળવવામાં આવશે. હાલમાં ચડાવવામાં આવતી પાંચમી ધ્વજા અને મંજૂર થયેલી છઠ્ઠી ધ્વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની 20મી તારીખના રોજ કરવામાં આવશે. ડ્રો દરમિયાન દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્યની હાજરીમાં ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવશે. આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે. પોર્ટલ શરૂ થયા બાદ ધ્વજાની ફાળવણી પોર્ટલ મારફતે કરવામાં આવશે.
અબોટી બ્રાહ્મણોની સહમતી ન લેવાઈ
ધ્વજારોહણ કરનાર ત્રિવેદી પરિવાર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના લોકોનું કહેવુ છે કે, છઠ્ઠી ધજાના નિર્ણય વખતે અમારા પરિવારની કોઈ સહમતી લેવાઈ નથી. અગાઉ તેઓને પ્રથમ મીટિંગમાં બોલાવાયા હતા. પરંતુ બાદમાં તેમનો અભિપ્રાય ન લેવાયો. તેથી તેઓએ પોતાની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા છે. આ સાથે જ સલામતીની માંગણી પૂરી નહિ કરાય તો નાછૂટકે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગે ન્યાયાલયની મદદ લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
નોંધનીય છે કે, દ્વારકાધીશ મંદિરમાં અબોટી બ્રાહ્મણોને જ ધજા ચઢાવવાનો અધિકાર મળ્યો છે. તેથી તેમને વિશ્વાસમાં લીધા વગર તંત્ર દ્વારા આ નિર્ણય લેતા મામલો વકર્યો છે.
જગતમંદિર પર રોજ 5 ધજા ચઢે છે
દ્વારકાધીશના મંદિરની વર્ષોથી પરંપરા છે કે, રોજ મંદિરના શિખર પર પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીનો ઉપયોગ થતો હોય છે અથવા મશીન દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે. પરંતુ દ્વારકા મંદિરમાં એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે 5થી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનુ કાર્ય કરે છે.
અબોટી બ્રાહ્મણો શિખર પર ચઢીને જ ધજા ચઢાવે છે
જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનુ કાર્ય કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર કોઈપણ પ્રકારની સીડી વગર ચઢીને ધજા લહેરાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછુ નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી. પરંતુ આ કામમાં મોટુ જોખમ રહેલું છે. ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે જગત મંદિરના શિખર પર ચઢવું મુશ્કિલ હોય છે. જોકે, આવા સમયે પણ પ્રથા તો બંધ થતી જ નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનુ ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચઢે જ છે. પરંતુ તેની ઊંચાઈ કરતા ઓછી હાઈટ પર ચઢાવાય છે. જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહિ. 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચઢાવાય છે.