વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, 9 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા

by Dhwani Modi
Rain forecast, News Inside

Monsoon 2023| રાજ્યમાં હાલ મેઘરાજાનું જોર ઓછું થઇ રહ્યુ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 161 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહિસાગરના બાલાસિનોરમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 9 ઓગસ્ટ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી તારીખમાં 9 ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા છે. હાલમાં સામાન્ય વરસાદ ચાલુ રહેશે. પહેલી ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે. જેના કારણે વરસાદ થઇ શકે છે. બંગાળમાં એક બાદ એક સિસ્ટમ બની શકે છે જેના કારણે પવન પણ ફૂંકાઇ શકે છે. હાલમાં વરસાદ દિન પ્રતિદન વધતો રહેશે.

અંબાલાલે વધુમાં જણાવ્યુ કે, 3થી 9 ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેમાં મહારાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં આહવા, ડાંગ, સુરત, ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં ઘણાં ભાગોમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

તેમણે એમ પણ જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દાહોદ, ગોધરાના ભાગ, મધ્ય ગુજરાતના ભાગો જેવા કે વડોદરા, આણંદ, ખેડા, નડિયાદમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના પણ કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવતા વરસાદ મોટા પ્રમાણમાં અને ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે.

તો બીજી તરફ હવામાન વિભાગે અઠવાડિયાના હવામાન અંગે આગાહી કરી છે. શનિવારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપેલી માહિતીમાં રાજ્ય પર વરસાદી સિસ્ટમ ન હોવાનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા દર્શાવાઇ છે. જોકે, ક્યાંય ભારે વરસાદની સંભાવના ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

 

Related Posts